હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

જમ્મુ, તા. ૯ : ગઈ રાત અને આજે વહેલી સવારે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ આવા હુમલાઓને ફરીથી થતા રોકવા માટે ઘણા વ્યૂહાત્મક મહત્વના સ્થળોની સુરક્ષા માટે એન્ટી એરક્રાફ્ટ તોપો અને મિસાઈલો તૈનાત કરવામાં આવી રહી છે. આ પગલું એટલા માટે લેવું પડ્યું છે કારણ કે ભારતીય પક્ષને એવી અપેક્ષા નહોતી કે પાકિસ્તાન આ રીતે નાગરિક વિસ્તારોને નિશાન બનાવવા માટે ડ્રોનના ઝુંડ મોકલશે.
અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સેના અને વાયુસેનાની આ યોજનાઓને ધ્યાનમાં રાખીને સરહદો અને અંદરના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવેલી એન્ટી એરક્રાફ્ટ તોપોને પણ હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે એરફોર્સના જવાનોને એરપોર્ટ પર ચાંપતી નજર રાખવાની સાથે સાથે આવી કોઈપણ પરિસ્થિતિમાં લડાકુ વિમાનોને જવાબી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે અધિકારીઓને મળેલા અહેવાલોમાં પાકિસ્તાની વાયુસેનાના સંભવિત હવાઈ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેના સંભવિત નિશાના તરીકે સરહદી વિસ્તારોને જ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી.
સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે એલઓસી પાર પાકિસ્તાની વાયુસેનાની ગતિવિધિઓમાં અચાનક વધારો થયો છે. જ્યારે પાકિસ્તાની વાયુસેના છત્રીધારી સૈનિકોને ઉતારવાની પ્રેક્ટિસ પણ કરી રહી છે. સંભવતઃ, મળેલા અહેવાલો અનુસાર, તેઓ આ કાર્યવાહીને ભારતીય ક્ષેત્રમાં પુનરાવર્તિત કરવા માંગે છે.
હવાઈ હુમલાની ચેતવણી જારી કરતા જમ્મુ સરહદના સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ સ્થળો પર એન્ટી એરક્રાફ્ટ તોપો તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધ વિમાનો દ્વારા ભારતીય સરહદનું ઉલ્લંઘન કરવાની જે કોશિશો કરી હતી.
અધિકારીઓ હજી પણ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાની વાયુસેના ભારતના એરપોર્ટ પર સીધા હુમલો કરવાનું જોખમી પગલું નહીં ઉઠાવે, પરંતુ સરહદ પારથી એજન્ટો પાસેથી મળેલા સમાચાર અને પાકિસ્તાની વાયુસેનાની ગતિવિધિઓનું તારણ એ જ નીકળે છે કે પાકિસ્તાની વાયુસેના કોઈ મોટી કાર્યવાહીની તૈયારીમાં લાગેલી છે.
જો કે કાશ્મીર અને જમ્મુના તમામ સૈનિક એરપોર્ટને પહેલાથી જ સતર્ક અને તૈયાર રાખવામાં આવ્યા છે, હવે તમામ મહત્વપૂર્ણ નાગરિક સ્થળોની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તેમની સુરક્ષા માટે એન્ટી એરક્રાફ્ટ તોપો પણ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે પાકિસ્તાની હુમલાથી બચવા માટે મિસાઈલો પણ એટલા માટે તૈનાત કરવામાં આવી છે કારણ કે માહિતી મળે છે કે પાકિસ્તાની વાયુસેના અને સેના ભારતને ચોંકાવવા માટે હવે લાંબા અંતર સુધી મારક ક્ષમતા ધરાવતી પોતાની મિસાઈલોનો સહારો લઈ શકે છે. (સુરેશ એસ ડુગ્ગર દ્વારા)(૩૭.૬)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM