જમ્મુ, સાંબા, પઠાણકોટ અને આરએસ પુરા પર પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલા નિષ્ફળ
બ્લેકઆઉટ વચ્ચે સાયરનની ગુંજતી ચીસો ફેલાવી રહી હતી દહેશત

જમ્મુ, તા. ૯ : ગઈ મોડી રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ પાકિસ્તાને જમ્મુને નિશાન બનાવી મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ નાપાક હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે પાકિસ્તાની સેનાએ આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે, પાકિસ્તાને અખનૂર, સાંબા અને પઠાણકોટને નિશાન બનાવીને આવા જ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે કે કેમ તેની હજુ પુષ્ટિ થવાની બાકી છે.
પાકિસ્તાન તરફથી આ મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ તરત જ જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ શહેર, જમ્મુ એરપોર્ટ અને શહેર તરફ વધી રહેલા મિસાઇલો અને ડ્રોનને સમયસર તોડી પાડવામાં આવ્યા હતા. હાલમાં આ હુમલામાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું છે કે કેમ તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
અધિકારીઓનું કહેવું હતું કે પાકિસ્તાન તરફથી સ્વાર્મ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી બેને જમ્મુ શહેરની મધ્યમાં આવેલી જમ્મુ યુનિવર્સિટી પાસે તોડી પાડવામાં આવ્યા હતા. સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાની હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે, જેના માટે એસ-૪૦૦નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવા માટે સ્વદેશી એન્ટી ડ્રોન હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાચાર મોકલવામાં આવ્યા ત્યાં સુધી હુમલા થયેલા વિસ્તારોમાં હજુ પણ બ્લેકઆઉટ છે અને ખતરાના સાયરન સતત વાગી રહ્યા છે.
દરમિયાન મળતા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ આરએસપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો, જ્યારે રાજૌરી શહેરની અંદર પણ તોપખાનાના ગોળા પડ્યા હતા. (સુરેશ એસ ડુગ્ગર દ્વારા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
