<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જમ્મુ-કાશ્મીર LoC પર આતંકવાદ વિરોધી અભિયાનમાં ભારતીય જવાન શહીદ : રાષ્ટ્રએ વીરને સલામ કરી

આંધ્ર પ્રદેશના એમ. મુરલી નાઈકે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું : પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ભારતીય સેનાના બહાદુર જવાન એમ. મુરલી નાઈક આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયા છે. તેઓ આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાઈં જિલ્લાના કલ્લી થંડા ગામના વતની હતા. ગત રાત્રે પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર સહિતના સૈન્ય સ્થળો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાઈકે LoC પર દેશની સુરક્ષા માટે લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમના પાર્થિવ દેહને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યાં તેમને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતીય સેનાએ તેમના બલિદાનને બિરદાવ્યું છે અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા દેશના ઉત્તરી અને પશ્ચિમી ક્ષેત્રોમાં ૧૫ સ્થળો પર પણ આવા હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાએ પહેલા જ નિષ્ફળ બનાવ્યા હતા. સંઘર્ષની વધતી જતી આશંકાઓ વચ્ચે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે, ભારતીય સશસ્ત્ર દળોએ ગુરુવારે મોડી રાત્રે જડબાતોડ જવાબ આપતા જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્વપૂર્ણ સ્થળો તરફ આવતી તમામ મિસાઇલો અને ડ્રોનને અટકાવીને નિષ્ક્રિય કરી દીધા હતા અને સરહદ પારથી શરૂ થયેલા હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.

 

(4:52 PM IST)