<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

'ઈન્ડિયન આઈડલ 12'ના વિજેતા પવનદીપ રાજનને ફરી ICUમાં દાખલ કરાયા : ૮ કલાક ચાલેલી સર્જરીમાં ત્રણ ઓપરેશન કરાયા

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તબિયતમાં સુધારો ન જણાતા ફરી ICUમાં ખસેડાયા : ટીમ દ્વારા સ્વાસ્થ્ય અંગે નિવેદન જાહેર

નવી દિલ્હી: ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'થી લોકોના દિલો પર રાજ કરનાર પવનદીપ રાજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, તેમની ગઈકાલે વધુ ત્રણ સર્જરી કરવામાં આવી છે અને તેમને ફરીથી આઈસીયુ (સઘન સારવાર એકમ)માં દાખલ કરવામાં આવ્યા છે.
પવનદીપ રાજન ૫ મેના રોજ મોરાદાબાદ પાસે એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની લગભગ ૬ કલાક સુધી સર્જરી ચાલી હતી. ગતરોજ પવનદીપને આઈસીયુમાંથી ખાનગી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા, જેની તસવીર તેમના મિત્રએ શેર કરી હતી. પરંતુ હવે તેમની ટીમે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે પવનદીપને ફરીથી આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની વધુ ત્રણ સર્જરી કરવામાં આવી છે.
પવનદીપ રાજનની ટીમે તેમના સ્વાસ્થ્ય અંગે નિવેદન જાહેર કરતા કહ્યું, "આપ સૌને નમસ્કાર. ગઈકાલે પવનદીપ રાજનની વધુ ત્રણ સર્જરી થઈ છે. તેમને સવારે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને લગભગ ૮ કલાક ચાલેલી સર્જરીમાં તેમના તમામ ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. તેઓ હજી પણ આઈસીયુમાં છે અને તેમની કાળજી લેવામાં આવી રહી છે. તેઓ થોડા વધુ દિવસ ત્યાં રહેશે. ડોક્ટરે કહ્યું છે તેમ પવનદીપ રાજનમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. પરંતુ અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. એકવાર ફરીથી આપ સૌના પ્રેમ અને આશીર્વાદનો ખૂબ ખૂબ આભાર."
જણાવી દઈએ કે પવનદીપ રાજન ૫ મેના રોજ પોતાના ઘરેથી નોઈડા આવી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર કેન્ટર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસની મદદથી પવનદીપ રાજનને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ થઈ હતી.

(5:59 PM IST)