હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા વધારાઈ :બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું: જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : હજીરામાં 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો :પીપાવાવ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા બાજ નજર

અમદાવાદ :ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ છે, વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને દરિયા કિનારે તપાસ હાથ ધરી છે, તો આ તરફ યુદ્ધના માહોલ વચ્ચે સુરતમાં સુરક્ષા વધારાઈ છે. જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તણાવ વચ્ચે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. 70 કિમી લાંબા દરિયા કિનારે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ દરિયામાં મરીન પોલીસ સતત નજર રાખી રહી છે. દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બોટ જોવા મળે તો જિલ્લા પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
યુદ્ધના માહોલ વચ્ચે સુરતમાં સુરક્ષા વધારાઈ છે. પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી છે. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે તેમજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં હથિયાર સાથે પોલીસ જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ત્યારે હજીરામાં 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે. દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ વધારવામાં આવી છે. સુરત એરપોર્ટ પર પણ ચેકિંગ સાથે સુરક્ષા વધારાઈ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પીપાવાવ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે તો રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ, વિકટર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
