News of Friday, 9th May 2025
હવાઈ મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના: ભારત-પાક તણાવ વચ્ચે સરકારે ૨૪ એરપોર્ટ ૧૪ મે સુધી બંધ રાખ્યા : મુસાફરોને વધારાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે
પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ સરકારે સુરક્ષા કારણોસર લીધો નિર્ણય :ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ : એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જાહેર

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ૭-૮ મેની રાત્રે ૩૦૦-૪૦૦ તુર્કી બનાવટના ડ્રોનથી ભારતમાં હુમલો કર્યા બાદ, સરકારે દેશના ૨૪ એરપોર્ટ બંધ રાખવાના સમયગાળાને વધારીને ૧૪ મે સુધી કરી દીધો છે. આ નિર્ણય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ એરપોર્ટ ૧૪ મે સુધી બંધ રહેશે:
૧. ચંદીગઢ
૨. શ્રીનગર
૩. અમૃતસર
૪. લુધિયાણા
૫. ભુંટાર
૬. કિશનગઢ
૭. પટિયાલા
૮. શિમલા
૯. કાંગરા-ગગ્ગલ
૧૦. ભટિંડા
૧૧. જેસલમેર
૧૨. જોધપુર
૧૩. બિકાનેર
૧૪. હલવારા
૧૫. પઠાણકોટ
૧૬. જમ્મુ
૧૭. લેહ
૧૮. મુન્દ્રા
૧૯. જામનગર
૨૦. હિરાસર
૨૧. પોરબંદર
૨૨. કેશોદ
૨૩. કંડલા
૨૪. ભુજ
ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલો પાકિસ્તાન તરફથી થયો હોવાની પુષ્ટિ કરી છે. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ આ હુમલાને ઝડપથી નિષ્ફળ બનાવ્યો હતો, પરંતુ તેના કારણે અનેક શહેરોમાં બ્લેકઆઉટ અને હવાઈ હુમલાના સાયરન સંભળાયા હતા, તેમજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચાલી રહેલી IPL મેચ પણ સ્થગિત કરવી પડી હતી. પાકિસ્તાનના આ હુમલાઓમાં પૂંચમાં એક મંદિર, ગુરુદ્વારા અને મસ્જિદને નુકસાન થયું હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ ગુરુવારે દેશભરની તમામ એરલાઇન્સ અને એરપોર્ટ્સને સુરક્ષા પગલાં વધારવા માટે આદેશ આપ્યો છે. નવા નિયમો અનુસાર, તમામ એરપોર્ટ પરના મુસાફરોને સેકન્ડરી લેડર પોઈન્ટ ચેક (SLPC)માંથી પસાર થવું પડશે અને ટર્મિનલ બિલ્ડિંગમાં મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અન્ય એરલાઇન્સે તેમના મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ૮ મે ૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં કરવામાં આવેલ બુકિંગ, જે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર, જોધપુર, કિશનગઢ અને રાજકોટની મુસાફરી માટે છે, તેમાં ૨૨ મે ૨૦૨૫ સુધી ફેરફાર અથવા રદ કરવાની ફી માફ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ પણ X પર એક ટ્રાવેલ એડવાઈઝરી પોસ્ટ કરીને મુસાફરોને તેમના નિર્ધારિત પ્રસ્થાન સમય કરતાં ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવા માટે જણાવ્યું છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની મુસાફરીની યોજનાઓ આ નવા નિયમો અનુસાર ગોઠવે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
