<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત : ફિરોઝપુરના ગામમાં ડ્રોન હુમલો : ઘરમાં આગ લાગતા ત્રણ ઘાયલ : કરતારપુર કોરિડોર નજીક પણ ધડાકો

પંજાબમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા લાઈટ ચાલુ ઘરને નિશાન બનાવ્યું : એર ડિફેન્સ સિસ્ટમે બે ડ્રોન તોડી પાડ્યા : ગુરદાસપુરમાં બ્લેકઆઉટ જાહેર

ફિરોઝપુર: પાકિસ્તાને શુક્રવારે રાત્રે ફરી એકવાર ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતના એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા હતા. જો કે, પંજાબના ફિરોઝપુરના ખાઈ ગામમાં પાકિસ્તાની ડ્રોન પડવાના કારણે એક ઘરમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી ચાર ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાંથી બેને એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા, પરંતુ આ ઘરની લાઈટ ચાલુ હોવાથી તેને નિશાન બનાવીને બે ડ્રોન તેના પર છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘર તુરંત જ આગની લપેટમાં આવી ગયું હતું અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઉપરાંત, પાકિસ્તાને કરતારપુર કોરિડોર નજીક પણ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુદાસપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે રાતથી સંપૂર્ણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી. ગુરુદાસપુરના ડી.સી. દ્વારા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે તેવા મોટા આદેશો જારી કરવામાં આવ્યા હતા. ગુરુદાસપુર પણ પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી એવી આશંકા હતી કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરને નિશાન બનાવી શકે છે, જે આ ઘટનાથી સાચી સાબિત થઈ છે.
ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે ગઈકાલે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં આવેલો કરતારપુર કોરિડોર બંધ કરી દીધો હતો. ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં સિખોના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીએ તેમના જીવનના છેલ્લા ૧૮ વર્ષ વિતાવ્યા હતા. આ જ કારણ છે કે કરતારપુર સાહિબ સિખો માટે એક મુખ્ય ધાર્મિક અને પવિત્ર સ્થળ છે. કરતારપુર કોરિડોર ૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ ગુરુ નાનક દેવની ૫૫૦ મી જન્મજયંતિ પર ખોલવામાં આવ્યો હતો. આ કોરિડોર દ્વારા ભારતીય શ્રદ્ધાળુઓ સમગ્ર વર્ષ દરમિયાન વિઝા વિના આ ઐતિહાસિક ગુરુદ્વારાની યાત્રા કરતા હતા.

 

(10:36 PM IST)