કટોકટીની સ્થિતિમાં ભારત કેવી રીતે સામનો કરશે? સામાન્ય માણસને કોઈ મુશ્કેલી નહીં પડે : આ છે PM મોદીનો માસ્ટર પ્લાન : ખાદ્યાન્નથી લઈને સુરક્ષા સુધીની સંપૂર્ણ તૈયારી
વડાપ્રધાન મોદીએ વિવિધ મંત્રાલયોના સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી નિર્દેશો આપ્યા : ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સરહદી વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષાની સમીક્ષા કરી : તો કૃષિ મંત્રીએ ખાદ્યાન્નના પૂરતા ભંડારની ખાતરી આપી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સરકારની મુખ્ય ચિંતા એ છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સામાન્ય જનજીવન પર તેની સીધી અસર ન પડે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે વિવિધ મંત્રાલયોના સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ સરકારના વરિષ્ઠ મંત્રીઓએ મંત્રાલયવાર તૈયારીઓની કમાન સંભાળી લીધી છે અને શુક્રવારે અલગ-અલગ મંત્રાલયોની બેઠકોનો દોર ચાલ્યો હતો.
સરકાર દરેક મોરચે તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ખાસ કરીને એવા મંત્રાલયોની વ્યવસ્થા અને તૈયારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર પડે છે.
જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રી અમિતભાઈ શાહે CISF, BSF અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના મહાનિર્દેશકો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે પાકિસ્તાન સાથે જોડાયેલા વિસ્તારો, એરપોર્ટ અને મુખ્ય સ્થાપનોની સુરક્ષામાં વિશેષ તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે કટોકટીની આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અધિકારીઓએ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી તૈયારીઓની વર્તમાન સ્થિતિ અંગે અહેવાલ આપ્યો હતો. એમ્બ્યુલન્સની તૈનાતી, સાધનસામગ્રી, દવાઓ વગેરેના પુરવઠા સહિત તબીબી પુરવઠાની પર્યાપ્ત ઉપલબ્ધતા વિશે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે તમામ રાજ્ય સરકારો સાથે, ખાસ કરીને જિલ્લા સ્તરે, સરહદી રાજ્યો સાથે જમીની સ્તરે અસરકારક રીતે સંપર્ક સ્થાપિત કરવામાં આવે, જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક કટોકટીની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી શકાય.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્ર અને સાયબર સુરક્ષાની તૈયારીઓના સંબંધમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ડિજિટલ એપ્લિકેશન, યુપીઆઈ વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રભાવિત ન થાય.
કટોકટીની સ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને માર્ગ પરિવહન સુનિશ્ચિત થાય તે માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સરહદી રાજ્યોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગડકરીએ તમામ અધિકારીઓને સતર્ક રહેવા સાથે જરૂરી વ્યવસ્થાપન, રાજ્ય સરકારો અને સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
આ જ રીતે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલય, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે ખાતરી આપી હતી કે અધિકારીઓ પાસેથી પાક વાવણી, ખાદ્યાન્ન, ફળ-શાકભાજી ઉત્પાદન અને ઉપલબ્ધતાની માહિતી લેવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને ક્યાંય કોઈ મુશ્કેલી ન આવે તે અંગે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. દેશમાં ઘઉં, ચોખા અને અન્ય અનાજ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
