<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું બાંગ્લાદેશે કર્યું સ્વાગત :યુનુસ સરકારે બંને દેશોની કરી પ્રસંશા

યુનુસ સરકારે કહ્યું -બાંગ્લાદેશ રાજદ્વારી દ્વારા મતભેદોને ઉકેલવામાં અમારા બે પડોશી દેશોને સમર્થન આપવાનું ચાલુ રાખશે."

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ હવે ઓછો થયો છે. બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાને શનિવારે રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા, જેને હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારથી નિયંત્રણ રેખા (LoC) અને સરહદી રાજ્યોમાં શાંતિ છે. બાંગ્લાદેશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. આ સાથે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કથિત મધ્યસ્થી બદલ પ્રશંસા કરી છે.

યુનુસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું કે, "હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમતિ આપવા અને વાતચીતમાં જોડાવા બદલ હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સચિવ રુબિયોનો તેમની અસરકારક મધ્યસ્થી માટે પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું. બાંગ્લાદેશ રાજદ્વારી દ્વારા મતભેદોને ઉકેલવામાં અમારા બે પડોશી દેશોને સમર્થન આપવાનું ચાલુ રાખશે."

 

યુદ્ધવિરામની જાહેરાત સૌપ્રથમ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "યુએસ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને ઉત્તમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન." ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધવિરામ સુરક્ષિત કરવા માટે અમેરિકાની મધ્યસ્થી મહત્વપૂર્ણ છે.

દરમિયાન, યુદ્ધવિરામની પુષ્ટિ કરતા, વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે. તે આમ કરવાનું ચાલુ રાખશે." પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ યુદ્ધવિરામની પુષ્ટિ કરતા કહ્યું કે, "પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે."

(5:25 PM IST)