<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

ઓપરેશન સિંદૂરમાં : ૧૦૦ આતંકવાદી ઠાર, ૯ કેમ્પ તબાહ : પાકિસ્તાનના ૩૦-૪૦ સૈનિકો પણ માર્યા ગયા : લાહોર - ગુજરાંવાલામાં વાયુસેનાનો સચોટ હુમલો : સેનાની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા : જુઓ વિડિયો

ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જ યુદ્ધવિરામની વાતચીત : એનએસએ કે વિદેશ મંત્રી સ્તરે કોઈ મંત્રણા નહીં : વાયુસેનાએ આતંકવાદીઓના ગઢ બહાવલપુર અને હાફિઝ સઈદના મુરીદકેને પણ ધ્વસ્ત કર્યા : પાકિસ્તાને નાગરિકોને ઢાલ બનાવ્યાનો આરોપ

નવી દિલ્હી, તા. ૧૧ (રાત્રે ૭:૪૫): ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટેની વાતચીત માત્ર બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે જ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંબંધમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (એનએસએ) અને વિદેશ મંત્રીઓના સ્તરે કોઈ વાટાઘાટો થઈ નથી. માત્ર બંને દેશોના સેના સંચાલન મહાનિદેશકો (ડીજીએમઓ) વચ્ચે મર્યાદિત સ્તરે સંવાદ થયો હતો. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે હવે આતંકવાદનો જવાબ નિર્ણાયક લશ્કરી કાર્યવાહીથી જ આપવામાં આવશે.
પાકિસ્તાનના ૩૦-૪૦ જવાન માર્યા ગયા: ડીજીએમઓ
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘કેટલાક હવાઈ ક્ષેત્રો પર હવાઈ હુમલાના વારંવાર પ્રયાસો થયા, પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા. પાકિસ્તાન આર્મી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૭ થી ૧૦ મે વચ્ચે નિયંત્રણ રેખા પર તોપ અને નાના હથિયારોથી થયેલા ગોળીબારમાં પાકિસ્તાની સેનાના લગભગ ૩૫ થી ૪૦ જવાન માર્યા ગયા છે.’
લાહોર અને ગુજरांવાલામાં સૈન્ય ઠેકાણાં, રડાર સાઇટ્સને નિશાન બનાવ્યાં: ડીજીએઓ
એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે, ‘૮ અને ૯ મેની રાત્રે ૧૦:૩૦ વાગ્યાથી જ અમારા શહેરો પર ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનોથી મોટા પાયે હુમલો થયો, જે શ્રીનગરથી શરૂ થઈને નલિયા સુધી કરવામાં આવ્યો. પરંતુ અમે તૈયાર હતા અને અમારી હવાઈ સંરક્ષણ તૈયારીઓએ સુનિશ્ચિત કર્યું કે જમીન પર અથવા દુશ્મન દ્વારા આયોજિત કોઈપણ લક્ષિત સ્થળને કોઈ નુકસાન ન પહોંચે. અમે દરેક સંભવિત ખતરાને સમયસર નિષ્ક્રિય કરી દીધો. સંતુલિત પ્રતિસાદમાં અમે ફરી એકવાર લાહોર અને ગુજरांવાલામાં સૈન્ય ઠેકાણાં અને દેખરેખ રાખતી રડાર સાઇટ્સને નિશાન બનાવ્યાં. ડ્રોન હુમલા સવાર સુધી ચાલુ રહ્યા, જેનો અમે જડબાતોડ જવાબ આપ્યો, આ ડ્રોન હુમલા લાહોર નજીકના કોઈ સ્થળેથી કરવામાં આવી રહ્યા હતા.’
પાકિસ્તાને નાગરિકોને ઢાલ બનાવ્યા: ડીજીએઓ
તેમણે કહ્યું કે, ‘દુશ્મને પોતાના નાગરિક વિમાનોને પણ લાહોરથી ઉડાન ભરવાની મંજૂરી આપી હતી, માત્ર તેમના જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાનો પણ ઉડી રહ્યા હતા, જે ખૂબ જ સંવેદનહીન છે. આ કારણે અમારે અત્યંત સાવધાની રાખવી પડી.’
ભારતીય સેનાએ માત્ર આતંકવાદીઓને નિશાન બનાવ્યા: એ.કે. ભારતી
એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ અત્યંત સાવધાનીપૂર્વક માત્ર આતંકવાદી ઠેકાણાંને જ નિશાન બનાવ્યાં અને કોઈ પણ નાગરિકને નુકસાન થવા દીધું નથી. અમે સંપૂર્ણ યોજના એવી રીતે બનાવી હતી કે માત્ર આતંકવાદી કેમ્પો પર ચોક્કસ હુમલો કરવામાં આવે અને કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે.
બહાવલપુરમાં આતંકી ઠેકાણું તબાહ કર્યું: એ.કે. ભારતી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુરમાં સ્થિત આતંકવાદી અડ્ડા પર ચોક્કસ મિસાઇલ હુમલો કરીને તેને સંપૂર્ણપણે તબાહ કરી દીધો. આ વિસ્તાર જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. ભારતીય વાયુસેનાના ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભારતીએ આ હુમલાના ડ્રોન અને સેટેલાઇટ ફૂટેજ બતાવ્યા.
મુરીદકે અને બહાવલપુર જેવા આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો: ડીજીએઓ
એર માર્શલ એ.કે. ભારતીએ મુરીદકે આતંકવાદી શિબિર પર મિસાઇલ હુમલાનો વિસ્તૃત વીડિયો બતાવ્યો. આ એ જ વિસ્તાર છે જેને લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદનો ગઢ માનવામાં આવે છે. ડીજીએઓ એ.કે. ભારતીએ કહ્યું કે મુરીદકે અને બહાવલપુર જેવા આતંકી ઠેકાણાંને તબાહ કરવામાં આવ્યા. એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે પરિસ્થિતિ મુશ્કેલ છે, અમે આ પ્રેસ કોન્ફરન્સ કરવા માંગતા નહોતા, પરંતુ તે જરૂરી બની ગયું હતું. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો. IAFએ ચોક્કસ હુમલાઓ માટે સેટેલાઇટ અને ઇન્ટેલિજન્સ આધારિત ટાર્ગેટિંગ અને પ્રિસિશન મ્યુનિશનનો ઉપયોગ કર્યો.
ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘૯-૧૦ મેની રાત્રે પાકિસ્તાને સરહદો પાર અમારા હવાઈ ક્ષેત્રમાં ડ્રોન અને વિમાન ઉડાવ્યા અને અનેક લશ્કરી માળખાંને નિશાન બનાવવાના મોટા પાયે નિષ્ફળ પ્રયાસો કર્યા. પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર ઉલ્લંઘન ફરી શરૂ થયું, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.’
૧૦૦ આતંકવાદીઓને ઠાર કર્યા: ડીજીએમઓ
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂરનો હેતુ માત્ર આતંકવાદીઓનો ખાતમો કરવાનો હતો. અમે ૧૦૦ આતંકવાદીઓને ખતમ કર્યા. તેમણે કહ્યું કે સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહમદ જેવા મોટા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, જેઓ આઈસી ૮૧૪ ના અપહરણ અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. આ પછી તરત જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું. અમારા દુશ્મનની અનિશ્ચિત અને ગભરાયેલી પ્રતિક્રિયાથી સ્પષ્ટ હતું કે તેઓ મોટી સંખ્યામાં નાગરિકો, વસેલા ગામો અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવશે અને દુર્ભાગ્યે ઘણા લોકો તેમના હુમલાનો શિકાર બન્યા, જેમાં ઘણા લોકોના જીવ ગયા. જો કે, ભારતીય વાયુસેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમના ઘણા કેમ્પો પર હુમલો કર્યો. ભારતીય નૌસેનાએ ચોક્કસ હથિયારોના મામલે સાધન ઉપલબ્ધ કરાવ્યા.’
આતંકવાદી માળખાને નષ્ટ કરવાના હેતુથી ચલાવવામાં આવ્યું ઓપરેશન સિંદૂર
આર્મીના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે, ‘તમે બધા અત્યાર સુધી તે ક્રૂરતા અને નિર્દયતાથી પરિચિત થઈ ગયા હશો, જેમાં ૨૨ એપ્રિલે પહેલગામમાં ૨૬ નિર્દોષ લોકોની અકાળે હત્યા કરવામાં આવી હતી. જ્યારે તમે તે ભયાનક દ્રશ્યો અને પરિવારોની પીડાને જોડો છો, જે રાષ્ટ્રએ અમારા સશસ્ત્ર દળો અને નિઃશસ્ત્ર નાગરિકો પર તાજેતરમાં થયેલા અનેક અન્ય આતંકવાદી હુમલાઓ સાથે જોયું તો અમે જાણતા હતા કે એક રાષ્ટ્ર તરીકે અમારા સંકલ્પને વધુ મજબૂત નિવેદન આપવાનો સમય આવી ગયો છે. ઓપરેશન સિંદૂરની કલ્પના આતંકના ગુનેગારો અને યોજનાકારોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. હું અહીં જે નથી કહી રહ્યો તે ભારતનો વારંવાર કહેવામાં આવતો મક્કમ નિર્ધાર અને આતંકવાદ પ્રત્યે તેની અસહિષ્ણુતા છે.’
દરમિયાન, ભારત-પાકિસ્તાન તણાવ પર ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સના મિલિટરી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ (ડીજીએમઓ) સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય થલ સેનાના મહાનિદેશક સૈન્ય અભિયાન (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ભારતીય વાયુ સેનાના મહાનિદેશક વાયુ અભિયાન (ડીજી એર ઓપ્સ) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌસેનાના મહાનિદેશક નૌસેના અભિયાન (ડીજીએનઓ) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ સામેલ છે.
આ પહેલા આજે સવારે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં સંરક્ષણ મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) ની બેઠક યોજાઈ હતી. આ પછી સવારે ૧૧ વાગ્યે યોજાનારી સંરક્ષણ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ ટળી ગઈ હતી. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ સાંજે ૫ વાગ્યે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. બંને દેશોએ સ્થિતિ વધુ સારી બનાવવા માટે ૧૨ મેના રોજ ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન સ્તરે વાતચીત કરવાનું નક્કી કર્યું છે.
૧૦ મેના રોજ ૪ વખત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની શનિવારે ૪ વખત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે સવારે ૧૦:૪૫ વાગ્યે કોન્ફરન્સ કરી હતી. જેમાં ૯ મેની રાત્રે પાકિસ્તાની હુમલાની માહિતી આપવામાં આવી હતી. આ પછી સાંજે ૫ વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ માહિતી આપી હતી. તેના થોડા સમય બાદ કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલાની માહિતી આપી હતી. પછી રાત્રે ૧૦:૫૫ વાગ્યે વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્રીએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે બ્રીફિંગ કરી હતી.

 

(7:47 PM IST)