News of Monday, 12th May 2025
રાયપુર પાસે ખરોરામાં ભયાનક માર્ગ અકસ્માત : ટ્રેલર સાથે માઝદા અથડાતા 17થી વધુ લોકોના મોત
ચોથિયાના કાર્યક્રમથી પરત ફરી રહેલા ગ્રામજનોની માઝદાને નડ્યો અકસ્માત : 50થી વધુ ઘાયલ

રાયપુર : છત્તીસગઢના પાટનગર રાયપુર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. રાયપુર નજીકના ખરોરા વિસ્તારના બાના ગામમાં રવિવારે એક કરુણ અકસ્માતમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે આશરે 50 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે માઝદા ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ગ્રામજનો એક ચોથિયાના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. બંગોલી ગામ નજીક તેમની માઝદા ગાડી રાયપુર તરફથી આવી રહેલા એક પુરપાટ ઝડપે દોડતા ટ્રેલર સાથે અથડાઈ ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે માઝદા વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક વર્ષથી ઓછી ઉંમરના માસૂમ બાળકનું પણ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને આક્રંદથી ભયાવહ વાતાવરણ સર્જાયું હતું.
ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી રાયપુરની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ખરોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ અકસ્માતના કારણે ખરોરા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવાના પ્રયાસો હાલમાં ચાલુ છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
