<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સાવધાન! શું તમે પણ નકલી ટ્રેડિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો? આ ઝડપથી વધી રહેલા કૌભાંડ વિશે જાણો

દેશભરમાં ચાલી રહેલું કૌભાંડ : ભણેલા-ગણેલા અને પ્રોફેશનલ લોકો પણ બની રહ્યા છે શિકાર

નવી દિલ્હી : છેલ્લા કેટલાક મહિનાઓમાં નકલી ટ્રેડિંગ વેબસાઇટ્સ દ્વારા અજાણ્યા રોકાણકારોને છેતરવાના બનાવો વધ્યા છે. રોકાણકારો જલ્દીથી નફો કમાવવાની લાલચમાં આવી વેબસાઇટ્સના જાળમાં ફસાઈ જાય છે. જ્યારે તેમની પૂરી બચત ખાતામાંથી નીકળી જાય છે ત્યારે તેમને આ છેતરપિંડીનો અહેસાસ થાય છે. નિવૃત્ત લોકો, સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને અહીં સુધી કે સંરક્ષણ સાથે જોડાયેલા લોકો પણ આવા કૌભાંડનો શિકાર બન્યા છે. આખરે લોકોને આ કૌભાંડનો શિકાર કેવી રીતે બનાવવામાં આવે છે?
આ રીતે થાય છે કૌભાંડની શરૂઆત
છેતરપિંડી કરનારા ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે દ્વારા લોકોને નિશાન બનાવે છે. વાતચીતની શરૂઆત મૈત્રીપૂર્ણ રીતે થાય છે. લોકોને આવા 'ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ'નો ભાગ બનવા માટે કહેવામાં આવે છે, જે દેખાવમાં અસલી લાગે છે. જણાવવામાં આવે છે કે ગ્રુપનો ભાગ બનતા જ માર્કેટના મોટા નિષ્ણાતો નફો કમાવવા વિશે જણાવશે. પુરાવા તરીકે દરરોજ ગ્રુપના સભ્યોને થતી કમાણીનો ડેટા રજૂ કરવામાં આવે છે. આ વાતો પર વિશ્વાસ કર્યા પછી લોકો આવી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરે છે, જે બિલકુલ અધિકૃત ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ જેવી જ દેખાય છે.
ઝડપી કમાણી માટે લોકો એફડી પણ તોડી નાખે છે
આ નકલી એપમાં એવા વિઝ્યુઅલ્સ હોય છે જે રિયલ ટાઇમ સ્ટોક માર્કેટની મૂવમેન્ટ બતાવે છે. લોકો જેવું જ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરે છે, તેઓ સ્ક્રીન પર પોતાનો નફો વધતો જુએ છે. આ તેમને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કેટલાક લોકો તો આ માટે પોતાના બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાંથી પણ પૈસા ઉપાડી લે છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ગીરવે મૂકીને ઉધાર લે છે તો કેટલાક પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી પણ ઉધાર લે છે. પરંતુ, તેમને મોટો આંચકો ત્યારે લાગે છે જ્યારે તેઓ નફાના પોતાના પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે છે.
પૈસા ઉપાડવાનો પ્રયાસ કરવા પર લાગે છે આંચકો
જ્યારે રોકાણકાર પોતાના પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે છે તો તેને અલગ-અલગ પ્રકારના એરર મેસેજ દેખાય છે. જેમ કે - ટેક્સ કમ્પ્લાયન્સ ન હોવાથી વિડ્રોલ રિક્વેસ્ટ ફેલ થઈ ગયું, ટેકનિકલ એરર છે તમારે ફંડ અનલોક કરવા માટે ડિપોઝિટ કરવું પડશે, તમારું KYC પેન્ડિંગ છે, તમારે વિડ્રોલ માટે ૫૦,૦૦૦ રૂપિયા પે કરવા પડશે. જ્યાં સુધી રોકાણકારને ખબર પડે છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યાં સુધી ઘણી વાર થઈ ચૂકી હોય છે. ટ્રેડિંગ એપ ગાયબ થઈ જાય છે. ફોન નંબર પર કોલ કરવા પર અનરિચેબલનો મેસેજ સંભળાય છે અને વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરી દેવામાં આવે છે.
આ કૌભાંડ દેશભરમાં ચાલી રહ્યું છે. તેના શિકાર વધારે ભણેલા-ગણેલા અને પ્રોફેશનલ લોકો પણ બની રહ્યા છે. એક નિવૃત્ત એર કોમોડોરને આવી સ્કીમમાં ૧.૪૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું. પુણેના ૬૬ વર્ષના એક વ્યક્તિને ૨.૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું. કેરળના એક એગ્રીકલ્ચર ઓફિસરને ૪૩ લાખનો ચૂનો લાગ્યો. કૌભાંડનો શિકાર બનેલા લોકોના આવા ઘણા ઉદાહરણો છે. આ બધા લોકો ઘણા ભણેલા-ગણેલા હતા. પરંતુ, જલ્દી નફો કમાવવાની લાલચે તેમને મોટા નુકસાનમાં લાવી દીધા.

(1:41 PM IST)