<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર લાગ્યા : ૨૦ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત

પોલીસે ત્રણ આતંકવાદીઓના પોસ્ટર બહાર પાડ્યા : માહિતી આપનારને મળશે મોટું ઇનામ

 

 

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન પોલીસે ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ પર ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
૨૨ એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ લોકો માર્યા ગયા હતા. હુમલાના ૨૦ દિવસ પછી પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે. આતંકવાદીઓને પકડવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ જગ્યા-જગ્યાએ દરોડા પાડી રહી છે.
આ ક્રમમાં પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદોની તસવીરો શેર કરી છે. કાશ્મીરમાં જગ્યા-જગ્યાએ આ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
જાંચ એજન્સીઓએ આ આતંકવાદીઓના ઘણા ઓવરગ્રાઉન્ડ વર્કરોના પણ કથિત રીતે ધરપકડ કરી છે. બૈસરન પહેલગામ નરસંહારમાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓએ તેમની તસવીરોવાળા પોસ્ટર પણ જાહેર કર્યા છે.
આ પોસ્ટર શોપિયાં, કુલગામ અને અનંતનાગમાં વિવિધ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં આતંકમુક્ત કાશ્મીરના સંકલ્પને દોહરાવતા આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવનાર માટે ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ૬-૭ મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને ગુલામ જમ્મુ-કાશ્મીર (પીઓકે)માં સૈન્ય કાર્યવાહી કરી હતી. સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં બેઠેલા આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા હતા. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ સમગ્ર અભિયાનમાં લગભગ ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

(12:02 PM IST)