<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ઓવૈસીનો પાકિસ્તાન પર કટાક્ષ : 'શું શાહબાઝ શરીફ ભાડે રાખેલા ચીની વિમાનોને રહીમ યાર ખાન એરબેઝ પર ઉતારી શકશે?'

ભારતીય હુમલામાં ખરાબ રીતે નષ્ટ થયેલા એરબેઝને લઈને ઓવૈસીનું ટ્વીટ વાયરલ : પાકિસ્તાનમાં ખોટી જીતના જશ્ન પર ઉઠાવ્યા સવાલ

હૈદરાબાદ: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યા બાદ, દેશના અગ્રણી નેતા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની સ્થિતિ પર કટાક્ષ કર્યો છે. ભારતીય હુમલામાં ખરાબ રીતે નષ્ટ થયેલા રહીમ યાર ખાન એરબેઝને લઈને ઓવૈસીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસીમ મુનીરને સવાલ પૂછ્યો છે કે શું તેઓ હવે ત્યાં ચીનથી ભાડે રાખેલા વિમાનોને ઉતારી શકશે?
ઓવૈસીનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં કેટલાક લોકો ભારતના હુમલામાં થયેલા મોટા નુકસાનને અવગણીને ખોટી જીતના જશ્ન મનાવી રહ્યા છે. ઓવૈસીએ પોતાની પોસ્ટમાં પાકિસ્તાનના આ વલણ પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. તેમની આ ટિપ્પણીથી પાકિસ્તાનના લોકો અને સેનામાં ફરીથી ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ૧૨ જેટલા વાયુસેનાના બેઝને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં રહીમ યાર ખાન એરબેઝ પણ સામેલ છે. ભારતીય હુમલામાં આ એરબેઝનો રનવે ખરાબ રીતે નાશ પામ્યો છે, જેના કારણે પાકિસ્તાને તેને એક અઠવાડિયા માટે બિન-કાર્યકારી જાહેર કર્યું છે. એવું પણ માનવામાં આવે છે કે આ હુમલામાં પાકિસ્તાનના ૪૦ જેટલા લશ્કરી અધિકારીઓ પણ માર્યા ગયા હતા.
ઓવૈસીની આ પોસ્ટ પાકિસ્તાનીઓના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે, કારણ કે એક તરફ તેમનું મહત્વનું લશ્કરી એરબેઝ બરબાદ થઈ ગયું છે અને બીજી તરફ તેમના જ દેશના કેટલાક લોકો ખોટી જીતની ઉજવણીમાં મશગૂલ છે. ઓવૈસીના આ કટાક્ષે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.

(6:05 PM IST)