<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ISRO એક જ વર્ષમાં બનાવશે ૫૨ જાસૂસી ઉપગ્રહ

પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધોઃબાકીના ૩૧ ઉપગ્રહની જવાબદારી ત્રણ ખાનગી કંપનીઓ અનંત ટૅક્નોલૉજીસ, સેંટમ ઈલેક્ટ્રોનિક્સ, અલ્ફા ડિઝાઇનને સોંપાઈ

નવીદિલ્હી:ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં ૫૨ જાસૂસી ઉપગ્રહ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવે આ કાર્યક્રમને ઘટાડીને એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. આ ઉપગ્રહની કામગીરી 'મહત્ત્વાકાંક્ષી અવકાશ-આધારિત દેખરેખ (SBS-૩)' પ્રોગ્રામ હેઠળ આગળ વધારવામાં આવી રહી છે, જેમાં ઈસરો અને ખાનગી ઉદ્યોગ કંપનીઓ સાથે મળીને આ લક્ષ્યાંકને એક વર્ષમાં પૂરો કરશે.

એસબીએસ-૩ પ્રોગ્રામ એ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન  અને ખાનગી ઉદ્યોગ વચ્ચેના સહયોગનું શાનદાર ઉદાહરણ છે. ઈસરો આ પ્રોગ્રામ હેઠળ ૨૧ ઉપગ્રહ બનાવશે, જ્યારે બાકીના ૩૧ ઉપગ્રહની જવાબદારી ત્રણ ખાનગી કંપનીઓ અનંત ટૅક્નોલૉજીસ, સેંટમ ઈલેક્ટ્રોનિક્સ અને અલ્ફા ડિઝાઇનને સોંપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયે આ ત્રણેય કંપનીઓને ૧૨થી ૧૮ મહિનામાં પ્રોગામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે, તેથી ૩૧ જાસૂસી ઉપગ્રહ ૨૦૨૬ના અંત સુધીમાં અથવા તે પહેલા બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અગાઉ આ લક્ષ્યાં ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. જોકે તાજેતરમાં જ પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપી ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ભારતના ૫૦ સ્પેસક્રાફ્ટ સતત પડોશી દેશો પર નજર રાખશે, જેથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો કોઈપણ કાર્યવાહી કરતા પહેલા બે વાર વિચારશે. આ ઉપગ્રહના કારણે સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે. આ ઉપગ્રહો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પણ કનેક્ટેડ હશે, જેથી કોઈ પણ ખોટા કામો સામે ભારતીય સૈન્ય તાત્કાલિક પગલાં લઈ શકે. આ ઉપગ્રહને એટલા માટે લોન્ચ કરવામાં આવશે કારણે કે આસપાસ થઈ રહેલા ફેરફારો પર નજર રાખીને દેશની તાકાતમાં વધારો કરી શકાય.

જો ભારત આ સ્તરે ઉપગ્રહો લોન્ચ કરી શકે છે, તો દેશ સામેના જોખમોને વધુ સારી રીતે ઘટાડી શકાય છે. તેના દ્વારા જમીન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરાશે. આ ઉપગ્રહોની મદદથી દુશ્મનની હિલચાલ પર નજર રાખી શકાશે. આ ઉપગ્રહને અવકાશમાં અલગ અલગ ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. જેની મદદથી વિવિધ લેવલથી જિયો-ઈન્ટેલિજન્સ ડેટા એકત્ર કરી શકાય. આ ઉપગ્રહની મદદથી આપણા સૈનિકો દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખી શકશે તેમજ સરહદો પર ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે.

 

(9:47 PM IST)