News of Wednesday, 14th May 2025
માર્ગ અકસ્માતના પીડિતો માટે ગંભીરતાથી લાગૂ કરે સ્કીમ
સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ : ૮ જાન્યુઆરીના રોજ જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેન્ચે સરકારને ‘‘ગોલ્ડન અવર'' દરમિયાન અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટે નીતિ ઘડવા જણાવ્યું હતું

નવી દિલ્હી તા.૧૪: કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક મફત સારવાર આપવા માટે એક યોજના તૈયાર કરી લીધી છે. કેન્દ્રએ આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી. ૫ મેથી શરૂ થયેલી આ યોજનામાં ઘાયલ વ્યક્તિને ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવાની જોગવાઈ છે. આ સારવાર અકસ્માતના ૭ દિવસ સુધી મેળવી શકાય છે
સરકારના જવાબને રેકોર્ડ પર લેતા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ઓગસ્ટમાં યોજનાની સફળતાની સમીક્ષા કરશે. સરકારે આ યોજનાનો સંપૂર્ણ અમલ કરવો જોઈએ અને આગામી સુનાવણી પહેલાં સોગંદનામું દાખલ કરે. સોગંદનામામાં, સરકાર જણાવે કે આનાથી કેટલા લોકોને કેશલેસ સારવારનો લાભ થયો.
૮ જાન્યુઆરીના રોજ, ન્યાયાધીશ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેન્ચે સરકારને ‘‘ગોલ્ડન અવર'' દરમિયાન અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટે નીતિ ઘડવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક નાગરિકને મળેલો જીવનનો અધિકાર એક કિંમતી અધિકાર છે. તેનું રક્ષણ કરવું સરકારની ફરજ છે. મોટર વાહન અધિનિયમની કલમ ૧૬૨ હેઠળ પણ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે ‘‘ગોલ્ડન અવર'' દરમિયાન અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે નીતિ બનાવે.
ગંભીર ઈજા પછીના શરૂઆતના પહેલા કલાકને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, જો ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી જાય તો તેના બચવાની શકયતા વધી જાય છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે અકસ્માત પછી તરત જ, ઇજાગ્રસ્ત વ્યક્તિ સાથે તેના પરિવાર કે અન્ય કોઈ નજીકની વ્યક્તિ હોતી નથી. આ સમય દરમિયાન, હોસ્પિટલ કયારેક પોલીસના આવવાની રાહ જુએ છે અને કયારેક પૈસા ચૂકવવાની શંકાને કારણે સારવારમાં વિલંબ કરે છે.(૩૮.૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
