News of Wednesday, 14th May 2025
તમિલનાડુમાં આઠ મહિલા સાથે બળાત્કાર કેસમાં નવ દોષિતને આજીવન જેલ
મહિલાઓને બે વર્ષ સુધી બ્લેકમેઈલ કરી બળાત્કારના વીડિયો બનાવ્યાં : આરોપીઓએ ૫૦થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કર્યા હોવાની પ્રબળ શંકા

કોઈમ્બતુરપતા.૧૪: તમિલનાડુના બહુચર્ચિત પોલ્લાચી બળાત્કારના મામલામાં કોઈમ્બતુરની વિશેષ મહિલા કોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઠ મહિલાઓની સાથે બળાત્કાર, વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરીને અને પૈસા વસૂલવાના મામલે ૯ આરોપીને આજીવન જેલની સજા ફટકારી છે. આ મામલો ૨૦૧૯માં સામે આવ્યો હતો, ત્યારે દેશમાં ગુસ્સો ફેલાયો હતો. આ ઘટનામાં પીડિત મહિલાઓનું સતત બે વર્ષ સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને ક્રૂરતાની સાથે બ્લેકમેઈલ કરીને વિડિયો પણ બનાવ્યા હતા. કોર્ટે પીડિત મહિલાઓને કુલ રૂપિયા ૮૫ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. ૯ દોષિતોએ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી કેટલીયે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતોમાં કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપરાંત વિવાહિત મહિલાઓ પણ હતી. દોષિતોએ જાતીય શોષણના વીડિયો પણ બનાવ્યા હતા. તેના દ્વારા બ્લેકમેઈલ કરીને મહિલાઓ સાથે કેટલીય વાર બળાત્કાર કર્યો હતો અને પૈસા પણ વસૂલ્યા હતા. આરોપીઓએ ૫૦થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કર્યાની શંકા છે, પરંતુ તેમાંથી ફક્ત આઠ મહિલાઓએ સાક્ષી બનીને આગળ આવી હતી. દોષિતોમાં સબરીરાજન ઉર્ફે રિશવંત (૩૨ વર્ષ) સહિતના આરોપીઓ સામેલ છે. આ મામલો ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહેલીવાર સામે આવ્યો હતો, જયારે ૧૯ વર્ષીય એક વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પીડિતા અનુસાર ૧૨મી ફેબ્રુઆરીએ પોલ્લાચીની પાસે ચાલતી કારમાં ચાર લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો બનાવીને સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી તેની ફરિયાદ પછી તમામ યુવકોની ધરપકડ કરાઈ હતી.(૪૦.૨)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
