News of Wednesday, 14th May 2025
કોંગ્રેસે ભાજપ પર ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ લેવાનો લગાવ્યો ગંભીર આરોપ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારીએ તિરંગા યાત્રાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું
આતંકવાદ સામેની આ લડાઈમાં કોંગ્રેસનો ટેકો દેશની સેના સાથે હતો અને ભવિષ્યમાં પણ રહેશે : પીએમ મોદીની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ જેથી વિપક્ષના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબો મળી શકે

નવી દિલ્હી તા.૧૪ : ઓપરેશન સિંદૂરની સફળતા પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 13 મેના રોજ અમદાવાદ, દિલ્હી સહિત અનેક જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, આજે લખનૌમાં પણ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારત શૌર્ય તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન કર્યું અને સેનાના સૈનિકો અને વડા પ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા. ત્યાર હવે કોંગ્રેસના નેતાએ આ અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારીએ તિરંગા યાત્રાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ પર ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં કોંગ્રેસનો ટેકો દેશની સેના સાથે હતો અને ભવિષ્યમાં પણ રહેશે.
કોંગ્રેસ નેતાએ સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આતંકવાદ સામેની આ લડાઈમાં કોંગ્રેસ ભારતીય સેના સાથે સરકારની સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે કેન્દ્ર મોદી સરકાર પાસે ટૂંક સમયમાં ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. જેથી ઓપરેશન સિંદૂરને જે રીતે અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું અને યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી તે પછી વિપક્ષના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબો મળી શકે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિપક્ષ જાણવા માંગે છે કે એ આતંકવાદી ક્યાં છે, જેમણે આપણી 26 બહેનોના સિંદૂર ભુસી નાખ્યા હતા? તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી ભાજપ દ્વારા શૌર્ય તિરંગા યાત્રા દેશભરમાં કાઢવામાં આવી રહી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
