<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

પાકિસ્તાનમાં હિન્દુ દીકરીએ ઇતિહાસ રચ્યો : કશીશ ચૌધરી બની પ્રથમ મહિલા સહાયક કમિશનર

બલુચિસ્તાનની ૨૫ વર્ષીય કશિશે BPSC પરીક્ષા પાસ કરી મેળવી સિદ્ધિ : મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણ માટે કરશે કામ

ક્વેટા: પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય સાથે સંકળાયેલી માત્ર ૨૫ વર્ષની કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. તેઓ બલુચિસ્તાન પ્રાંતના પ્રથમ હિન્દુ મહિલા બન્યા છે જેમની આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક બાદ એક પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણ માટે કાર્ય કરશે.
બલુચિસ્તાનના ચાગાઈ જિલ્લાના નોશ્કી શહેરના રહેવાસી કશિશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ માત્ર તેમના વ્યક્તિગત જીવનમાં જ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન નથી, પરંતુ સમગ્ર પાકિસ્તાનના લઘુમતી સમુદાયો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.
પાકિસ્તાની ચેનલ સમા ટીવી સાથે વાતચીત દરમિયાન કશિશે જણાવ્યું હતું કે તેમણે સતત ત્રણ વર્ષ સુધી દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક સખત અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યું, "શિસ્ત, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરવાની તીવ્ર ઇચ્છાએ મને આ સમગ્ર સફરમાં સતત પ્રેરણા આપી." તેમના પિતા ગિરધારીલાલ એક ઉદ્યોગપતિ છે. પોતાની પુત્રીની આ અસાધારણ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "મારી પુત્રીએ જે કંઈપણ પ્રાપ્ત કર્યું છે તે તેની અથાગ મહેનત અને સંપૂર્ણ સમર્પણનું જ પરિણામ છે. આ મારા માટે અત્યંત ગર્વની વાત છે."
કશિશ ચૌધરી અને તેમના પિતાએ ક્વેટામાં બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે મુલાકાત કરી હતી. કશિશે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે તેઓ પ્રાંતમાં મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણની સાથે સાથે સમગ્ર પ્રાંતના સર્વાંગી વિકાસ માટે પણ સક્રિયપણે કાર્ય કરશે. મુખ્યમંત્રી બુગતીએ કહ્યું હતું, "આ દેશ અને સમગ્ર બલુચિસ્તાન માટે ગર્વની વાત છે કે આપણા લઘુમતી સમુદાયની દીકરીઓ આટલી મહેનત કરીને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પહોંચી રહી છે. કશિશ આપણા સૌ માટે ગર્વનું પ્રતીક છે."
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની મહિલાઓ હવે ધીમે ધીમે પુરુષોના વર્ચસ્વવાળા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં, મનીષા રોપેટા કરાચીના પ્રથમ હિન્દુ મહિલા એસપી બન્યા હતા. તે જ સમયે, પુષ્પા કુમારી કોહલી કરાચીમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં સુમન પવન બોધનાની સિંધના શહદાદકોટમાં સિવિલ જજ બન્યા હતા. આ તમામ મહિલાઓ પાકિસ્તાનમાં અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

(5:20 PM IST)