News of Wednesday, 14th May 2025
બલુચિસ્તાને પાકિસ્તાન સાથે તોડ્યો સંબંધ : આઝાદીની જાહેરાત! ભારત અને સંયુક્ત રાષ્ટ્ર પાસે માન્યતા માંગી
બલુચ નેતાઓએ સ્વતંત્ર દેશ જાહેર કરી દિલ્હીમાં કાર્યાલય અને દૂતાવાસ ખોલવાની ભારતને અપીલ કરી : સંયુક્ત રાષ્ટ્રને પીઓકે ખાલી કરવા કહ્યું

પેશાવર: બલુચ નેતાઓએ પાકિસ્તાનથી આઝાદીની જાહેરાત કરી દીધી છે અને ભારત તથા સંયુક્ત રાષ્ટ્ર પાસે ઔપચારિક માન્યતા માંગી છે. આ ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર બલુચિસ્તાનનો મુદ્દો ઝડપથી વાયરલ થઈ ગયો છે. બલુચ નેતાઓની આ જાહેરાતથી પ્રાદેશિક રાજનીતિમાં નવી હલચલ પેદા થઈ ગઈ છે. હવે સૌની નજર ભારત અને સંયુક્ત રાષ્ટ્રના આગામી પગલાં પર છે.
બલુચ કાર્યકર્તા મીર યાર બલુચ અને અન્ય નેતાઓએ બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે. તેમણે ભારતને અપીલ કરી છે કે દિલ્હીમાં બલુચિસ્તાનનું કાર્યાલય અને દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવામાં આવે. મીર યારે લખ્યું કે, "ચીન પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે, પરંતુ બલુચિસ્તાનની જનતા ભારતની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ૬૦ લાખ બલુચ દેશભક્ત તમારી સાથે છે." ૧૪મી મેના રોજ અન્ય એક પોસ્ટમાં બલોચ નેતાઓએ યુએન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું કે પાકિસ્તાન "તાત્કાલિક પીઓકે ખાલી કરે", નહીં તો ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોની શરમજનક હાર ફરી થશે. તેમણે એવી પણ ચેતવણી આપી કે "ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે, અને પીઓકેને માનવ ઢાલ ન બનાવે."
મીર યાર બલુચે ૯મી મેના રોજ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "પાકિસ્તાન હવે ખતમ થવાની કગાર પર છે. અમે અમારી આઝાદી જાહેર કરી દીધી છે. અમે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર પાસે બલુચિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માંગ કરીએ છીએ." તેમણે સંયુક્ત રાષ્ટ્ર પાસે મુદ્રા, પાસપોર્ટ અને અન્ય સંસાધનો માટે આંતરરાષ્ટ્રીય સહાય પણ માંગી. બલુચિસ્તાનના સ્વતંત્ર નકશા અને ધ્વજોના ફોટા ઝડપથી શેર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના ફોટા વાયરલ છે, જેમાં તેઓ ભારત-બલોચ મિત્રતાના બેનર પકડેલા જોવા મળે છે. મીર યાર બલુચે કહ્યું કે, "ભારત એકલું નથી, તેને બલુચિસ્તાનના ૬ કરોડ દેશભક્તોનો સાથ છે."
તેમણે ભારતના એ નિવેદનનું સમર્થન કર્યું જેમાં પાકિસ્તાનને પીઓકે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે લખ્યું કે, "જો પાકિસ્તાને વાત ન માની તો તેના લાલચુ લશ્કરી જનરલોને લોહી-ખરાબા માટે જવાબદાર ઠેરવવા જોઈએ." આ બધું એવા સમયે થયું છે જ્યારે ભારતે તાજેતરમાં "ઓપરેશન સિંદૂર" હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ૨૨મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
