<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ભગવાન સમક્ષ સૌ સમાન, મંદિર ટ્રસ્ટી કે દાતા બનવા માટે કોઈ પણ જાતિનો વિશિષ્ટ અધિકાર નથી - મદ્રાસ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ચેન્નાઈના મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂકમાં જાતિ આધારિત અરજીને ફગાવી : અન્ય કેસમાં દાન સ્વીકારવામાં જાતિના ભેદભાવને ગેરબંધારણીય ગણાવ્યો

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે ભગવાન સમક્ષ બધા મનુષ્ય સમાન છે અને કોઈ પણ જાતિને મંદિરના ટ્રસ્ટી બનવાનો કે દાન આપવાનો કોઈ વિશેષ અધિકાર નથી. કોર્ટે ચેન્નાઈના અરુલમિગુ કર્ણીેશ્વર તિરુકોઈલ ખાતે માત્ર એક જ જાતિના લોકોને મંદિર ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીએ પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે તેમણે અગાઉ પણ એક કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે જાતિ કોઈ ધાર્મિક સંપ્રદાય નથી અને કોઈ પણ જાતિ હિન્દુ મંદિરનું સંચાલન કરવાનો કોઈ વિશિષ્ટ અધિકાર દાવો કરી શકે નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, "ભગવાન સમક્ષ, બધા વ્યક્તિઓ મનુષ્ય છે અને તેથી, જાતિના આધારે કોઈ ભેદભાવ થઈ શકે નહીં. આથી, અરજદારની ફરિયાદ આ કોર્ટ દ્વારા ધ્યાનમાં લઈ શકાય તેમ નથી અને તેનો સ્વીકાર કરી શકાતો નથી."
અરજદાર એક જાતિ આધારિત સંગઠનના સેક્રેટરી હતા જેમણે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે અગાઉ મંદિરના બિન-વંશપરંપરાગત ટ્રસ્ટીઓની નિમણૂક ફક્ત સેંગુન્થર સમુદાયમાંથી જ થતી હતી. જો કે, એપ્રિલ ૨૦૨૫માં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સામાન્ય જનતા પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજદારે એવી પણ માંગ કરી હતી કે માત્ર સેંગુન્થર જાતિના લોકોને જ મંદિરના ટ્રસ્ટીઓ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવે, જેને કોર્ટે નકારી કાઢી અરજી ફગાવી દીધી હતી.
ન્યાયાધીશે પોતાના ૨૯ એપ્રિલના ચુકાદામાં સ્વામી વિવેકાનંદ અને ડૉ.બી.આર. આંબેડકરના વિચારોને ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ધર્મ અને પૂજા આત્માના લાભ માટે હોય, તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે 'આત્મામાં ન તો લિંગ છે, ન તો જાતિ છે કે ન તો અપૂર્ણતા છે.' ડૉ.બી.આર. આંબેડકરે પણ જણાવ્યું હતું કે જાતિ ફક્ત મનમાં જ અસ્તિત્વ ધરાવે છે અને તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી.
તે જ દિવસે અન્ય એક કેસની સુનાવણી કરતા જસ્ટિસ ચક્રવર્તીએ કુન્દ્રાથુરના એક મંદિરમાં અરજદારને તેમની જાતિના કારણે ઉબયધરર (મંદિર દાતા) તરીકે દાન આપવાની મંજૂરી ન આપવાની ફરિયાદની ગંભીર નોંધ લીધી હતી. કોર્ટે આવી પ્રથાઓને અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ ગણાવ્યું હતું જેને કોઈપણ રીતે મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાતિ ભગવાન સમક્ષ માપદંડ ન હોઈ શકે અને જો અનુસૂચિત જાતિના વ્યક્તિને મંદિરમાં દાન કરવાની મંજૂરી ન હોય તો તે ભારતના બંધારણની કલમ ૧૭નું ઉલ્લંઘન ગણાશે. કોર્ટે સંબંધિત અધિકારીઓને અરજદારની રજૂઆત પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કોઈપણ સમુદાયના લોકો મંદિરમાં દાન આપી શકે.

 

(7:47 PM IST)