News of Wednesday, 14th May 2025
ભારતીય સેનામાં અધિકારી બનવાની સોનેરી તક : પરીક્ષા નહીં, સીધું જ ઇન્ટરવ્યૂ, જાણો શું છે પ્રક્રિયા
ભારતીય સેનાએ 142મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 142) માટે સત્તાવાર સૂચના બહાર પાડી

નવી દિલ્હી : જો એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો અને દેશની સેવા કરવાનું સ્વપ્ન જુઓ છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ભારતીય સેનાએ 142મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 142) માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ કોર્ષ જાન્યુઆરી 2026થી ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA), દેહરાદૂન ખાતે શરૂ થશે. આ કોર્ષ દ્વારા, એન્જિનિયરિંગ પાસ કરેલા અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા અપરિણીત પુરૂષ વિદ્યાર્થીઓને આર્મીમાં ઓફિસર (લેફ્ટનન્ટ) બનવાની તક મળશે. અરજી પ્રક્રિયા 30 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 29 મે 2025 સુધી joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
આ કોર્સ માટે ફક્ત તે જ લોકો અરજી કરી શકે છે જેઓ અપરિણીત છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ (B.E./B.Tech) પૂર્ણ કર્યો છે અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી 2026ના રોજ 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ તક ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ ટેકનિકલ કાર્યમાં સારા છે અને સેનાનો ગણવેશ પહેરીને દેશની સેવા કરવા માંગે છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર સાયન્સ અને અન્ય એન્જિનિયરિંગ શાખાઓના વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે. આ માહિતી સત્તાવાર સૂચનામાં આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયામાં સૌ પ્રથમ ઉમેદવારોની પસંદગી તેમના અભ્યાસમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. આ પછી SSB ઇન્ટરવ્યુ બે ભાગમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પાસ થનારા ઉમેદવારોએ પોતાના દસ્તાવેજો બતાવવા પડશે અને તબીબી તપાસ કરાવવી પડશે. આ બધા તબક્કાઓ સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોને IMA (ઇન્ડિયન મિલિટરી એકેડેમી), દેહરાદૂન ખાતે તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા પછી તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ (અધિકારી) તરીકે નિયુક્ત કરવામાં આવશે.
આ કોર્ષ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે 2025 છે. તેથી, જે યુવાનો સેનામાં કારકિર્દી બનાવવા માંગે છે, તેમણે છેલ્લી તારીખ પહેલા અરજી કરવી આવશ્યક છે. અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમને પાત્રતા, પ્રક્રિયા અને નિયમો વિશે સંપૂર્ણ માહિતી મળી શકે. આ તક માત્ર એક મહાન કારકિર્દીની શરૂઆત જ નથી કરતી, પરંતુ દેશ માટે કંઈક કર્યું હોવાનો ગર્વ પણ આપે છે. વધુ વિગતો માટે અને અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.inની મુલાકાત લો.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
