<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

પ્રધાનમંત્રી મોદીના એરફોર્સ સ્ટેશનના પ્રવાસના બીજા દિવસે પાકિસ્તાની વડાપ્રધાનનું પાસરૂર કેન્ટોનમેન્ટનું નિરીક્ષણ

ભારતના હુમલા સામે પાકિસ્તાની સેનાના પ્રતિભાવને પાકિસ્તાની વડાપ્રધાને 'ઐતિહાસિક' ગણાવ્યો : ભારતે પાસરૂર એર ડિફેન્સ રડારનો નાશ કર્યો હતો

ઇસ્લામાબાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના જલંધર નજીક આવેલા આદમપુર એરફોર્સ સ્ટેશનની આશ્ચર્યજનક મુલાકાત લીધાના એક દિવસ બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બુધવારે સિયાલકોટના પાસરૂર કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી હતી.
તેમની મુલાકાત દરમિયાન, પાકિસ્તાની વડાપ્રધાને ભારતના હુમલા સામે પાકિસ્તાની સશસ્ત્ર દળોના નિર્ણાયક પ્રતિભાવને 'ઐતિહાસિક' ગણાવ્યો હતો. નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાની હુમલા બાદ વળતા હુમલામાં પાસરૂર એર ડિફેન્સ રડારનો નાશ કર્યો હતો. ભારતે બે દિવસ પહેલાં ક્ષતિગ્રસ્ત પાસરૂર રડારનો ફોટો પણ જાહેર કર્યો હતો.
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાના જવાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તાજેતરના પાકિસ્તાની વળતા હુમલાને ભગાડવામાં તેમની બહાદુરી અને વ્યાવસાયિકતાની પ્રશંસા કરી હતી.
એક ફોટોમાં વડાપ્રધાન મોદીને મિગ-૨૯ અને સંપૂર્ણપણે અકબંધ એસ-૪૦૦ સિસ્ટમ સાથે વાયુસેનાના જવાનોને હાથ હલાવતા દર્શાવવામાં આવ્યા હતા, જે ઈસ્લામાબાદના ખોટા માહિતી અભિયાનનો મજબૂત જવાબ બની ગયો છે.
ગત સપ્તાહે ઓપરેશન સિંદૂર બાદ વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના જેએફ-૧૭ ફાઇટર જેટ્સે આદમપુર એરબેઝ પર હુમલો કર્યો હતો અને ભારતના અદ્યતન રશિયન બનાવટના એસ-૪૦૦ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે આ દાવાને સમર્થન આપવા માટે કથિત સેટેલાઇટ તસવીરો પણ ફરતી કરી હતી. જો કે, તસવીરોમાં વાસ્તવિક નુકસાનના કોઈ ચિહ્નો જોવા મળ્યા ન હતા - કોઈ બ્લાસ્ટ માર્ક, કોઈ માળખાકીય કાટમાળ અને એરબેઝના લેઆઉટમાં કોઈ વિક્ષેપ જોવા મળ્યો ન હતો.

(10:28 PM IST)