પીએમ મોદીની નકલ કરવા લાગ્યા શરીફઃ જવાનોને મળવા પહોંચ્યા
સિયાલકોટ અને પસરૂર છાવણીમાં સેનાના એરબેઝ પર સૈનિકોને મળવા પહોંચ્યા

કરાંચી તા.૧૫: પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા અને દેશની રક્ષામાં લાગેલા સૈનિકોને મળ્યા હતા. પીએમની તસવીર જેવી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી તો પાડોશી દેશ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફની ઊંઘ તૂટી અને તેઓ જરાં પણ મોડું કર્યા વિના સિયાલકોટ અને પસરૂર છાવણીમાં સેનાના એરબેઝ પર સૈનિકોને મળવા પહોંચી ગયા. આ એરબેઝને ભારતની જવાબી કાર્યવાહી દરમ્યાન ખૂબ નુકસાન થયું છે. ભારતીય સેનાના પરાક્રમ બાદ પાકિસ્તાની સેનાના ચીફ જનરલ આસિમ મુનીરની બોલતી બંધ થઈ ગઈ છે. બીજા જ દિવસે સવારે પાકિસ્તાને ડીજીએમઓ સ્તર પર વાતચીત શરુ કરી સીઝફાયરની જાહેરાત કરી દીધી.
જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂરની શરૂઆત કરી છે, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ ગભરાયેલા અને ડરેલા જોવા મળે છે. રાષ્ટ્રના નામે સંબોધનમાં પણ શરીફના ચહેરા પર ભારતીય ફોજનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આવી જ રીતે હવે તેઓ પીએમ મોદીની કોપી કરતા પાકિસ્તાની એરબેઝ પર પહોંચ્યા પણ તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો.
શહબાઝ શરીફ જ્યારે સેનાના જવાનોને મળવા પહોંચ્યા તો તેમની સાથે આસિમ મુનીર, ઉપ પ્રધાનમંત્રી ઈશાક ડાર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફ અને અન્ય પણ સામેલ હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી સિયાલકોટ એરબેઝ પર પીએએફ કર્મીઓ સાથે પણ મુલાકાત કરી. જો કે પીએમ મોદી જ્યારે આદમપુર એરબેઝ પર પહોંચ્યા તો તેમની પાછળ બેકગ્રાઉન્ડમાં રાફેલ વિમાન અને એસ-૪૦૦ તૈનાત દેખાઈ રહ્યા હતા. આ સ્પષ્ટ સંકેત હતો કે પાકિસ્તાન જે એસ-૪૦૦ સિસ્ટમ અને રાફેલ વિમાનને પાડવાનો દાવો કરે છે, તે એકદમ ખોટા અને પાયાવિહોણા છે.
શહબાઝ શરીફની સિયાલકોટ અને પસરૂર એરબેઝ યાત્રા એ દર્શાવે છે કે, પાકિસ્તાન ભારતના સૈન્ય સંદેશાને હળવાથી નથી લેતું. આ બેઝ હાલના સંઘર્ષો બાદ જર્જર થઈ ગયું છે. શરીફની સેના પ્રમુખ અને રક્ષા મંત્રી સાથે ગયેલી યાત્રા ખાલી આંતરિક એકજૂટતા દેખાડવાનો પ્રયાસ છે. મોદીએ એ સ્પષ્ટ કર્યું છે કે, ઓપરેશન સિંદૂર ભારતની નવી નીતિ છે. અને તેને ખાલી રોકવામાં આવ્યું છે. ખતમ નથી થયું. આ સાંભળ્યા બાદ પીએમ શહબાઝ શરીફ અને મુનીરની હાલત પહેલા કરતા વધારે ટાઈટ થઈ ગઈ છે. તેમને ખબર છે કે ભવિષ્યમાં કોઈ છમકલું કર્યું તો ભારત ફરીથી સિંહની માફક આવશે અને બધુ તબાહ કરીને જતું રહેશે.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
