<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

સિડનીથી લંડન વચ્‍ચે વિશ્વની સૌથી લાંબી નોન-સ્‍ટોપ ફ્‌લાઇટ

પ્રવાસીઓ બે વાર સૂર્યોદયનાં દર્શન કરશે : ૨૦ કલાકથી વધુ સમય સુધી નોન-સ્‍ટોપ ઉડ્ડયન કરીને ૧૭,૦૧૫ કિલોમીટરનું અંતર કાપશે

સિડની,તા.૧૬: ઓસ્‍ટ્રેલિયાની નેશનલ એરલાઇન કંપની ક્‍વોન્‍ટાસ એરવેઝે જાહેરાત કરી છે કે સિડની અને લંડન વચ્‍ચે વિશ્વની સૌથી લાંબી નોન-સ્‍ટોપ પેસેન્‍જર ફ્‌લાઇટ ૨૦૨૭માં ઉડાન ભરશે. આ ફ્‌લાઇટ ૨૦ કલાકથી વધુ સમય સુધી નોન-સ્‍ટોપ ઉડ્ડયન કરીને ૧૭,૦૧૫ કિલોમીટરનું અંતર કાપશે. હાલમાં લોન્‍ગેસ્‍ટ નોન-સ્‍ટોપ પેસેન્‍જર ફ્‌લાઇટનો રેકોર્ડ સિંગાપોર એરલાઇન્‍સની સિંગાપોરથી ન્‍યુ યોર્કની ફ્‌લાઇટના નામે છે જે આશરે ૧૮.૫ કલાકમાં લગભગ ૧૫,૩૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. ક્‍વોન્‍ટાસે લોન્‍ગેસ્‍ટ નોન-સ્‍ટોપ ફ્‌લાઇટને પ્રોજેક્‍ટ સનરાઇઝ નામ આપ્‍યું છે, કારણ કે આ ફ્‌લાઇટના પ્રવાસીઓ આ સફરમાં બે અદ્ભુત સૂર્યોદય જોશે.

લગભગ દિવસભરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ક્‍વોન્‍ટાસ ૧૨ નવાં એરબસ A૩૫૦-૧૦૦૦ એરક્રાફ્‌ટ રજૂ કરશે. વધુ લેગરૂમ માટે ૩૦૦ની સામાન્‍ય બેઠક-ક્ષમતા ઘટાડીને ૨૩૮ કરવામાં આવશે. ઇકોનોમી અને પ્રીમિયમ કેબિન વચ્‍ચે એક સમર્પિત વેલનેસ ઝોન સ્‍થાપિત કરવામાં આવશે જે બધા મુસાફરો માટે સુલભ હશે. આ વિસ્‍તારમાં ઓન-સ્‍ક્રીન કસરત કાર્યક્રમો, સ્‍ટ્રેચ હેન્‍ડલ્‍સ અને હાઇડ્રેશન સ્‍ટેશન હશે.

(11:34 AM IST)