News of Friday, 16th May 2025
દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત : ગુજરાત પોલીસનો સપાટો : અંજારમાં કરોડોની સંપત્તિ સીઝ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વ પોલીસની કામગીરીને બિરદાવી : વ્યાજખોરીના દૂષણને ડામવા કડક કાર્યવાહીનો સંદેશ

ભુજ: ગુજરાત પોલીસે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસે વ્યાજખોરી દ્વારા મેળવેલી મિલ્કતો જપ્ત કરીને દાખલો બેસાડ્યો છે. આ નોંધપાત્ર કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. સાગર બાગમાર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અંજાર પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. પોલીસે વ્યાજખોરી દ્વારા મેળવેલી આશરે રૂ. ૬૩.૪૬ લાખની મિલ્કત જપ્ત કરી છે, જેમાં ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દેશના ઇતિહાસમાં વ્યાજખોરો સામે મિલ્કત જપ્તીનું પ્રથમ ઉદાહરણ છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા સૂચના આપી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાર્યવાહી કરી. પોલીસે રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી (રહે. મંકલેશ્વર, અંજાર) સામે જી.સી.ટી.ઓ.સી. હેઠળ કાર્યવાહી કરી, જેમણે વ્યાજખોરીનું “ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ” બનાવી આર્થિક લાભ મેળવ્યા હતા.
જપ્ત કરાયેલી મિલ્કતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (રૂ. ૨.૫૨ લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (રૂ. ૧૪.૭૯ લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (રૂ. ૧૨.૪૨ લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (રૂ. ૬.૪૫ લાખ); તેમજ આરોપીઓની માતાના નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (રૂ. ૦.૬૦ લાખ અને રૂ. ૧૨.૯૪ લાખ) અને અંજારમાં ગંગોત્રી-૦૨માં પ્લોટ (રૂ. ૧૩.૭૧ લાખ)નો સમાવેશ થાય છે. આ તમામ મિલ્કતોની કુલ કિંમત રૂ. ૬૩.૪૬ લાખ છે.
પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો છે, જેમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મિલ્કતોની જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી અને ગૃહ વિભાગના હુકમ બાદ આ મિલ્કતોને સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળ કાર્યવાહી માટે કચ્છ પૂર્વ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે અને વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
