News of Friday, 16th May 2025
યુવાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો! લખનૌમાં કાયદાના વિદ્યાર્થીને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વીડિયો બનાવ્યો : ૫૧ લાખની ખંડણી માંગનાર યુવતી અને તેના સાગરિતો સામે ફરિયાદ
સ્નેપચેટ પર મિત્રતા બાદ યુવતીએ વિદ્યાર્થીને મળવા બોલાવી કારમાં અંગત પળોનો વીડિયો બનાવ્યો : વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયાસ

લખનૌ: લખનૌમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ સ્નેપચેટ દ્વારા કાયદાના વિદ્યાર્થી સાથે મિત્રતા કર્યા બાદ તેને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીએ વિદ્યાર્થીને મળવા બોલાવી કારમાં તેની સાથે અંગત પળોનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી ૫૧ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પરેશાન થયેલા વિદ્યાર્થીએ આ અંગે ડીસીપી વેસ્ટ વિશ્વજીત શ્રીવાસ્તવને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવતી સુમ્બુલ કમલ અને તેના સાગરિતો વિરુદ્ધ ચોક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. પીડિત વિદ્યાર્થીના કાકા સ્થાનિક કાઉન્સિલર છે.
પોલીસ ફરિયાદ અનુસાર, ચોકમાં રહેતા કાયદાના વિદ્યાર્થીને બે મહિના પહેલાં સુમ્બુલ કમલ નામની એક યુવતી તરફથી સ્નેપચેટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને સુમ્બુલે જણાવ્યું હતું કે તે નેશનલ કોલેજમાં બી.કોમ.નો અભ્યાસ કરે છે. ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી તેની માતા સાથે ખરીદી કરવા ગયો હતો, ત્યારે યુવતીએ તેને મેસેજ કરીને કહ્યું કે તે પણ કાયદાનો અભ્યાસ કરવા માંગે છે અને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી તેની માતાને બજારમાં છોડીને યુવતીને મળવા ગયો હતો, જે પહેલેથી જ રાહ જોઈ રહી હતી. વિદ્યાર્થીને જોતાં જ તે તેની કારમાં બેસી ગઈ અને પછી બંને જેબીપી લોન તરફ ગયા હતા.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાર્કિંગમાં પહોંચતા જ યુવતીએ તેના કપડાં ઉતારી નાખ્યા હતા. વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલાં, યુવતીના કેટલાક પરિચિતો ત્યાં આવી પહોંચ્યા અને તેમનો વીડિયો બનાવવા લાગ્યા હતા. યુવતીના સાગરિતોએ વિદ્યાર્થીને ધમકી આપીને તેની પાસેથી ૧૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ તેઓ યુવતી સાથે ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ઘટનાના લગભગ ૧૫ દિવસ બાદ વિદ્યાર્થીને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો, જેમાં ૫૧ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. માંગણી પૂરી ન થવા પર આરોપીઓએ વિદ્યાર્થીના પિતાને અશ્લીલ વીડિયો મોકલી આપ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા ઇન્સ્પેક્ટર નાગેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
