News of Friday, 16th May 2025
બેંગ્લોરનું ઇસ્કોન મંદિર મુંબઈનું નહીં, કર્ણાટક સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ બેંગ્લોર સોસાયટીનું છે : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
૨૪ વર્ષ જૂના મિલકત વિવાદનો અંત : સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને રદ કરી ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો : બેંગ્લોર સ્થિત ઇસ્કોન સોસાયટીને મંદિરનો માલિકી હક મળ્યો

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) મુંબઈ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ બેંગ્લોર વચ્ચે છેલ્લા ૨૪ વર્ષથી ચાલી રહેલા મિલકત વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. શુક્રવારે (૧૬ મે) જસ્ટિસ અભય ઓક અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે બેંગ્લોરમાં આવેલું ઇસ્કોન મંદિર કર્ણાટક સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ ઇસ્કોન સોસાયટી બેંગ્લોરનું છે, ન કે ઇસ્કોન મુંબઈનું.
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઇકોર્ટના એ ચુકાદાને રદ કર્યો છે જેમાં મિલકત ઇસ્કોન સોસાયટી, મુંબઈની હોવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને ફરીથી સ્થાપિત કર્યો છે જેમાં બેંગ્લોર સ્થિત સોસાયટીને મંદિરની માલિકી આપવામાં આવી હતી.
બેંગ્લોર સ્થિત ઇસ્કોન સોસાયટીની નોંધણી જુલાઈ, ૧૯૭૮ માં કર્ણાટક સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. સોસાયટીનો દાવો હતો કે તેણે ૩ ઓગસ્ટ, ૧૯૮૮ ના રોજ હરે કૃષ્ણ હિલ્સમાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી લગભગ છ એકર જમીન હસ્તગત કરી હતી અને ભક્તો પાસેથી એકત્રિત ભંડોળનો ઉપયોગ કરીને તેના પર મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું નિર્માણ કર્યું હતું.
બીજી તરફ, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) મુંબઈની નોંધણી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ હેઠળ કરવામાં આવી હતી. તેની સ્થાપના ૧૯૬૬માં શ્રીલ પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ કાર્યાલય હરે કૃષ્ણ ભૂમિ, જુહુ, મુંબઈ ખાતે આવેલું છે.
મે, ૨૦૧૧માં, કર્ણાટક હાઇકોર્ટે ઇસ્કોન મુંબઈ દ્વારા ૧૭ એપ્રિલ, ૨૦૦૯ના રોજ ઇસ્કોન બેંગ્લોરની તરફેણમાં આપેલા ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારતી અપીલને મંજૂરી આપી હતી. ટ્રાયલ કોર્ટે જાહેર કર્યું હતું કે બેંગ્લોરમાં નોંધાયેલ સોસાયટી હરે કૃષ્ણ હિલ્સ, રાજાજીનગર બેંગ્લોર ખાતે મંદિરની મિલકતની સંપૂર્ણ માલિક છે અને ઇસ્કોન મુંબઈને તેના કામકાજમાં દખલ કરવાથી રોકી હતી. કોર્ટે ઇસ્કોન મુંબઈ અને તેના સંલગ્ન પદાધિકારીઓની બેંગ્લોર સોસાયટી સામે કાયમી મનાઈ હુકમ માંગતી પ્રતિ અરજીને પણ ફગાવી દીધી હતી.
વર્ષ ૨૦૦૧માં દાખલ કરાયેલા દાવામાં, ઇસ્કોન બેંગ્લોર દ્વારા એવી ઘોષણા માંગવામાં આવી હતી કે તે હરે કૃષ્ણ હિલ્સ મિલકતનો સંપૂર્ણ માલિક અને કબજેદાર છે, ઇસ્કોન મુંબઈને તેના પદાધિકારીઓને દૂર કરવાનો કોઈ અધિકાર નથી, ઇસ્કોન મુંબઈનો તેની મિલકતો અથવા વહીવટ પર કોઈ નિયંત્રણ નથી અને ઇસ્કોન મુંબઈ અને તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓને તેની બાબતોમાં દખલ કરવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમ આપવામાં આવે. ઇસ્કોન મુંબઈએ દાવો કર્યો હતો કે બેંગ્લોર કેન્દ્ર ક્યારેય સ્વતંત્ર કાનૂની એન્ટિટી તરીકે કાર્ય કરતું નથી અને હંમેશા ઇસ્કોન મુંબઈ હેઠળ શાખા તરીકે કાર્ય કરતું રહ્યું છે. તેણે દલીલ કરી હતી કે ઇસ્કોન બેંગ્લોર દ્વારા અથવા તેના નામે હસ્તગત કરાયેલી બધી મિલકતો વાસ્તવમાં ઇસ્કોન મુંબઈમાં નિહિત છે.
ટ્રાયલ કોર્ટે બેંગ્લોર સોસાયટીના કેસને સ્વીકાર્યો અને તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આનાથી નારાજ થઈને, ઇસ્કોન મુંબઈ અને તેના કેટલાક સંકળાયેલા પદાધિકારીઓએ હાઇકોર્ટ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી હતી. ૨૩ મે, ૨૦૧૧ ના રોજ, હાઇકોર્ટે ઇસ્કોન મુંબઈ દ્વારા દાખલ કરાયેલી અપીલ સ્વીકારી હતી અને ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરીને બેંગ્લોર સોસાયટી મુંબઈ સોસાયટીની એક શાખા હોવાનું ઠરાવ્યું હતું. હાઈકોર્ટે તારણ કાઢ્યું હતું કે હરે કૃષ્ણ હિલ્સ મંદિર સંકુલનું માલિકી હક અને કબજો ઇસ્કોન મુંબઈ પાસે છે અને બેંગ્લોરમાં નોંધાયેલી સોસાયટી દ્વારા દાખલ કરાયેલા દાવાને ફગાવી દીધો હતો.
જો કે, સુપ્રીમ કોર્ટે હવે હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરીને ટ્રાયલ કોર્ટના નિર્ણયને પુનઃસ્થાપિત કર્યો છે, જે બેંગ્લોર સ્થિત ઇસ્કોન સોસાયટી માટે મોટી જીત સમાન છે. આ ચુકાદાથી ૨૪ વર્ષ જૂના લાંબા વિવાદનો અંત આવ્યો છે. કેસનું શીર્ષક હતું - ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ બેંગ્લોર વિરુદ્ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ મુંબઈ અને અન્ય.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
