<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

પાકિસ્તાનના મદદગાર તુર્કીની આર્થિક કમર તોડવા એકલું રાજકોટ સક્ષમ :તુર્કીના અનેક ઉદ્યોગ રાજકોટ વગર અધૂરા :વર્ષે અબજો રૂપિયાની નિકાસ

એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાસ્ટિંગ પ્રોડક્ટ અને ખાસ પ્રકારના બેરિંગમાં પણ રાજકોટ પર નિર્ભર : રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા: તુર્કીમાં દર વર્ષે યોજાતા એક્ઝિબિશમાં સમગ્ર દેશમાંથી 30 જેટલા સ્ટોલ ભારતના હોય તેમાં 15 કરતાં વધુ સ્ટોલ માત્ર રાજકોટના

ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ જે પરિસ્થિતિ વણસી હતી તેમાં તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન મોકલીને મદદ કરી હતી. તે જ ડ્રોન પાકિસ્તાને ભારતમાં છોડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે હવે ઉદ્યોગો પર પ્રતિબંધની વાત કરીએ તો આપણું રાજકોટ જ તેને ભાંગી પાડવા માટે સક્ષમ છે

દુશ્મન દેશ પાકિસ્તાનને ઓપરેશન સિંદુર દરમિયાન મદદ કરનાર તુર્કી દેશ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર તેમના બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે પાકિસ્તાનને ડ્રોનની મદદ કરનાર તુર્કીના અનેક ઉદ્યોગો રાજકોટને આધારિત ચાલે છે? તો જુઓ એવા કયા કયા ઉદ્યોગો છે કે જે માત્ર રાજકોટ ઉપર આધાર રાખે છે.

રાજકોટ મશીન ઉદ્યોગનું હબ છે. ત્યારે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને ડ્રોન સહિતની મદદ કરનારા તુર્કીને પણ રાજકોટની જરૂર પડે છે. રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ વગર તુર્કીના અનેક ઉદ્યોગો અધૂરા છે. આ અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે જેમાં સૌપ્રથમ મશીન ટૂલ્સ પાર્ટ્સ આવે છે કે જે માત્ર રાજકોટ પર જ આધાર રાખે છે.

આ ઉપરાંત તુર્કીમાં ટ્રેક્ટર બનાવતી કંપનીના ટ્રેક્ટરમાં જે પણ પાર્ટ્સ બને છે તે માત્ર રાજકોટમાંથી જ મંગાવે છે. એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાસ્ટિંગ પ્રોડક્ટ અને ખાસ પ્રકારના બેરિંગમાં પણ તુર્કી રાજકોટ પર જ આધાર રાખે છે. ત્યારે ત્યાંની સરકાર જો ભારતની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકે તો ત્યાંના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

રાજકોટના ઉદ્યોગો વિશ્વભરમાં પ્રખ્યાત છે. એમાં પણ રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ તો વિશ્વના કેટલાય દેશોની કમજોરી બની ગયો છે. જેમાં તાજેતરમાં જ ભારત સાથે પરોક્ષ રીતે દુશ્મની કરનાર તુર્કી રાજકોટ આધારિત છે. રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા છે.

રાજકોટમાંથી વર્ષે અબજો રૂપિયાની નિકાસ તુર્કીમાં થાય છે. તુર્કીનું હૂંડિયામણ ભારત લાવવામાં આ એન્જિનિયરિંગ ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે. જેથી સરકારને પણ આ એન્જિનિયરિંગ ઉપયોગ થકી કરોડો રૂપિયાની આવક વર્ષ દરમિયાન થાય છે.

 રાજકોટ તુર્કી માટે કેટલું મહત્વનું છે એ વાત ભારત સરકાર દ્વારા દર વર્ષે જે એન્જિનિયરિંગ ઉદ્યોગોનું એક્ઝિબિશન યોજાય છે તેના આયોજન પરથી જ સાબિત થાય છે. તુર્કીમાં દર વર્ષે જે એક્ઝિબિશન યોજાય છે તેમાં તેમના સમગ્ર દેશમાંથી 30 જેટલા સ્ટોલ ભારતના હોય છે. 30 સ્ટોલમાંથી 15 કરતાં વધુ સ્ટોલ માત્ર રાજકોટના હોય છે. હાલ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો સારા ન હોય પરંતુ આ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની કોઈ અસર જોવા નથી મળતી

   અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ કોઈને કોઈ બાબતમાં દેશને ગર્વ અપાવતું રહે છે. અત્યારે ભારત સામે દુશ્મની કરનારા દેશોએ પણ એક વખત રાજકોટની ઔદ્યોગિક પ્રોડક્ટ અંગે વિચારવું પડે છે. જેમાં રાજકોટથી કોઈ પ્રોડક્ટ નહીં આવે તો શું થશે તે વિચારવા માટે પણ મજબૂર થવું પડે છે. .

 

(11:49 PM IST)