News of Saturday, 17th May 2025
ભારતે અમેરિકા માટે ૧૦૦% ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો: પ્રેસિડેન્ટ ટ્રમ્પનો દાવો: ન્યુઝ ફર્સ્ટ

દોહા–કતાર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપીને જણાવ્યું છે કે ભારતે અમેરિકન માલ પર લાગતા ૧૦૦% ટેરિફને સંપૂર્ણપણે ઘટાડવાનો નવો પ્રસ્તાવ આગળ ધર્યો છે. આ નિવેદન તેમણે દોહામાં વેપારી આગેવાનો સાથેની બેઠક દરમિયાન આપ્યું હતું, જે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું, “ભારતમાં માલ વેચવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેઓએ હવે અમને એક એવો સોદો ઓફર કર્યો છે જેમાં તેઓ અમેરિકન માલ પર લગભગ કોઈ ટેરિફ નહીં લગાવે.” આ પ્રસ્તાવ અંગે ભારતના વાણિજ્ય મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે ટેરિફ દર સરેરાશ અંતર ૧૩% થી ઘટાડીને ૪% થી ઓછો કરવાની ઓફર કરી છે.
આ પ્રસ્તાવનો હેતુ એપ્રિલ ૨૦૨૫માં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય માલ પર લગાવવામાં આવેલા ૨૬% ટેરિફને ટાળવાનો છે, જેને ૯૦ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતે પ્રથમ તબક્કામાં ૬૦% ટેરિફ લાઇન્સ પર ટેરિફ ઘટાડવાની અને અમેરિકન આયાતના ૯૦% ને પ્રાધાન્ય આપવાની દરખાસ્ત કરી છે.
આ સોદાના બદલામાં ભારતે અમેરિકા પાસેથી હાલના અને ભવિષ્યના ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિની માંગણી કરી છે, જે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે. ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અમેરિકાની મુલાકાતે ગયા છે, જ્યાં આ વાટાઘાટોને આગળ ધરવામાં આવશે.
જો આ સોદો થશે તો ભારતના રત્ન અને આભૂષણ, ચામડું, કાપડ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોને ફાયદો થઈ શકે છે, પરંતુ સ્થાનિક ઓટોમોબાઇલ ઉદ્યોગને નુકસાન થવાની ચિંતા છે.
આ સમાચાર અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, “બધું નક્કી થાય ત્યાં સુધી કંઈ નક્કી નથી.” તેમણે ઉમેર્યું કે કોઈપણ વેપાર સોદો બંને દેશો માટે પરસ્પર લાભદાયી હોવો જોઈએ.
આ પ્રસ્તાવ ભારત-અમેરિકા વચ્ચેના ૧૨૯ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત કરી શકે છે, જેમાં હાલ ભારતને ૪૫.૭ અબજ ડોલરનું વેપાર સરપ્લસ છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
