<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

આવું પણ થાયઃ ચોરી કરેલી સાડી પહેરી સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યોઃ પોલીસ તરત આવી પકડી ગઇ

ચોરી કરેલી સાડી પહેરીને ફોટો પોસ્‍ટ કર્યો અને ફસાઈ ગઈ

કોલકાતા તા.૧૭: કોલકાતામાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક મહિલાએ ચોરી કરેલી સાડી પહેરીને ફેસબુક પર ફોટો પોસ્‍ટ કરી દીધો અને પોલીસે આ ફોટોના આધારે તેની પકડી લીધી. સોશિયલ મીડિયા પર દેખાડો કરવાનું આજકાલ કેટલું મોંઘુ પડી શકે છે તે આ કિસ્‍સાએ સાબિત કરી દીધું છે.

મધ્‍યમગ્રામના એલઆઈસી ટાઉનશિપમાં રહેતા એક રિટાયર્ડ સરકારી ઓફિસર આશિષ દાસગુપ્તાના ઘરે ગત વર્ષે ડિસેમ્‍બરમાં બનારસી સાડી, બંગડી, ઝુમકા અને બે હાર ગાયબ થઈ ગયા હતા. પરિવારને ઘરમાં કામ કરતી પૂજા સરદાર પર શંકા હતી. પણ પુરાવા નહોતા મળતા. ફરિયાદ નોંધાઈ અને પોલીસે ચાર મહિનાની તપાસ બાદ ચોરી કરેલી વસ્‍તુઓ જપ્ત કરી, તેમાં સાડીથી લઈને સ્‍કૂટર અને રોકડ રકમ પણ સામેલ છે.

પૂજા સરદાર નામની આ મહિલાએ એ જ ચોરીની સાડી પહેરીને એક સોશિયલ મીડિયા પોસ્‍ટ કરી હતી. આ પોસ્‍ટમાં તેણે શાનદાર લખ્‍યું હતું. આશિષ દાસગુપ્તાની દીકરીએ જ્‍યારે આ ફોટો ફેસબુક પર જોયો તો તરત સ્‍ક્રીનશોટ પાડી પોલીસને આપી દીધો. એટલું જ નહીં, પોલીસને જાણવા મળ્‍યું કે પૂજા જ મહિલા છે જે વિસ્‍તારમાં કેટલાય ઘરોમાંથી સાડીઓ અને ઘરેણાં ચોરી રહી હતી.

સોશિયલ મીડિયા પર દેખાડો કરવો પૂજા પર ભારે પડ્‍યો. તેણે ચોરી કરેલી સાડી પહેરીને ફોટો અપલોડ કર્યો. પણ આ ફોટો તેને જેલ સુધી લઈ ગયો. જે સાડીને તે શાનદાર ડ્રેસ ગણાવી રહી હતી, તે જ તેના માટે સૌથી મોટો પુરાવો બન્‍યો. પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેની પાસેથી ચોરીનો કિંમતી સામાન, ઘરેણાં, સાડીઓ, સ્‍કૂટર અને રોકડ રકમ જપ્ત કરી.(૩૮.૩)

(9:38 AM IST)