હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષમાં ₹૨૫,૦૦૦ કરોડના વિકાસ કાર્યો થયા - કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને જડબાતોડ જવાબ અપાયો
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના ₹૭૦૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે આજે ગાંધીનગર મહાનગરપાલિકા, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગરના કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં વિકાસનો યજ્ઞ શરૂ કર્યો હતો અને તેમની જ તર્જ પર આજે વડાપ્રધાન તરીકે તેઓ દેશના વિકાસ કામો કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાને વિકાસની સાથે ભારતને તમામ ક્ષેત્રે સુરક્ષિત બનાવવાનું કામ પણ કર્યું છે અને તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં ભારતનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત અને અભેદ્ય રહેશે. ગાંધીનગરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નાગરિકોની સુવિધા વધારવા માટે આશરે ₹૨૫,૦૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં માત્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જ ₹૪,૨૬૦ કરોડના કાર્યોનો સમાવેશ થાય છે.
અમિતભાઈ શાહે વર્ષ ૨૦૧૪ પહેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાઓ અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા અપાયેલા જડબાતોડ જવાબની વાત કરી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતીય સેનાએ લશ્કર એ તોયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકી સંગઠનોના ૯ જેટલા કેમ્પ અને વડામથકને ધ્વંસ કર્યા હતા, જેણે વિશ્વના સુરક્ષા નિષ્ણાતોને પણ આશ્ચર્યચકિત કર્યા છે. તેમણે ભારતીય સેનાની ક્ષમતા અને વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાન દ્વારા પરમાણુ બોમ્બની ધમકી સામે ભારતીય સેનાએ મક્કમ જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાના જવાનો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમિતભાઈ શાહે કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે દેશની સુરક્ષાની જવાબદારી સાથે પોતાના મતવિસ્તારના નાગરિકોની સુખાકારીને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમણે ગાંધીનગર વિસ્તારના નાગરિકોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી અને ગાંધીનગરમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જનસુખાકારીના વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹૭૭૧ કરોડની ફાળવણીની પણ માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરને એજ્યુકેશન હબ તરીકે ઓળખાવ્યું હતું અને વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે સહકાર આપવા સૌને અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે વાવોલ અને પેથાપુરમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને મળનારી સુવિધા વિશે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અમિતભાઈ શાહે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું અને પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
