<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

ગોઝારીયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન : પાંચ લાખના આયુષ્માન કાર્ડથી ૬૦ કરોડ નાગરિકોને આરોગ્ય સેવાઓ સુલભ બનશે

ગોઝારીયાની હોસ્પિટલમાં દાન આપનારા દાતાઓનું ભવ્ય સ્વાગત અને સન્માન : શ્રી શાહે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનની વાત કરી : જન ઔષધિ કેન્દ્રોથી ૨૫ હજાર કરોડની દવાઓ નાગરિકોને મળી હોવાનો દાવો

મહેસાણા, ૧૮ મે ૨૦૨૫, રવિવાર: મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનીલાલ અને શેઠ ડોસાભાઈ માધવજી સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંચાલિત શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કર્યું હતું. અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે દિશામાં વર્ષ ૨૦૧૪થી આમૂલ પરિવર્તન કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના ૬૦ કરોડ નાગરિકોને પાંચ લાખના આયુષ્માન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી છે.
શ્રી શાહે પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, હર ઘર જલ, ઘર ઘર શૌચાલય, મિશન ઇન્દ્રધનુષ અને આયુષ્માન ભારત જેવી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે ભૂતકાળમાં ૩૭ હજાર કરોડના બજેટથી વધારી આજે એક લાખ ૩૭ હજાર કરોડની રકમ માત્ર આરોગ્યની સુખાકારી માટે ફાળવવામાં આવી છે.
અમિતભાઈએ દેશમાં નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટમ અને આયુષ્માન મંદિરથી આરોગ્યની સુખાકારીમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં સાત એઈમ્સથી આજે ૨૩ એઈમ્સ અને મેડિકલ કોલેજોમાં ૩૮૭ થી ૭૮૦ કોલેજો થઈ છે, જેનાથી ભૂતકાળમાં ૫૧ હજાર ડોક્ટરો પદવી મેળવતા હતા, તેની સામે આજે એક લાખ ૧૮ હજાર ડોક્ટરો દેશને મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઇકો સિસ્ટમ ક્ષેત્રે ટેલી મેડિસિન સુવિધામાં વધારો થયો છે અને છેલ્લા ૧૦ વર્ષમાં જન ઔષધિ કેન્દ્રથી ૨૫ હજાર કરોડ રૂપિયાની દવાઓ દેશના નાગરિકોને મળી છે. તેમણે દેશના ૧૩૦ કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા ખૂબ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જણાવી આપણા પૂર્વજોએ બનાવેલ હોસ્પિટલોને આધુનિક હોસ્પિટલો બને તે જવાબદારી સમાજની હોવાનો અનુરોધ કર્યો હતો.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલોને આયુષ્માન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે, જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે. ગોઝારીયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના ૫૦ થી વધુ ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહી છે, જે ઐશ્વર્ય કાર્ય છે.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ગોઝારીયા માટે ગૌરવશાળી ક્ષણ છે. રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ભાઈ શાહને આભારી છે, જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ૧૦૮ ડૉ. વાગીશકુમારે આશીર્વચન પાઠવ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કરી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમિતભાઈ શાહ સહિત મહાનુભાવોના હસ્તે દાતાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અમિતભાઈ શાહનું ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
આ હોસ્પિટલ દ્વારા સર્જીકલ વિભાગ, ગાયનેક વિભાગ, મેડિસિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, આંખ વિભાગ, બાળ વિભાગ, દાંત વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ અને કિડની ડાયાલિસિસ સેન્ટર સહિત માનદ વિઝિટિંગ સેવાઓમાં ઇએનટી, સ્કીન, માનસિક, સોનોગ્રાફી, ગેસ્ટ્રોલોજી, ઇકો, નેફ્રોલોજી, ન્યુરો ફિઝિશિયન અને પર્મોલોજી સહિતની સેવાઓ આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત તબીબી સારવાર કેન્દ્ર બનાવી નવીન ટેકનોલોજી અને માનવીય અભિગમથી સામાન્ય માનવીને મદદરૂપ થવાની ખેવના છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જે.એસ.પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, પદ્મ શ્રી કરશન પટેલ, સ્થાપક ટ્રસ્ટી સતીષભાઈ શાહ, ટ્રસ્ટના હોદ્દેદારો કે.કે.પટેલ, બહેચરભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, શોભનાબેન શાહ, નાથાલાલ પટેલ સહિત ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને હોસ્પિટલ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:47 PM IST)