<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ : ૨૦૨૯ સુધીમાં બે લાખ નવી સહકારી મંડળીઓ શરૂ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પોને પરસ્પર સહકાર, સંગઠન અને શક્તિથી ચરિતાર્થ કરવા ઉપસ્થિતોને આહ્વાન કર્યું : ગુજરાતમાં દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ : સહકારી માળખાને મજબૂત બનાવવા પર ભાર : ગામડાની મંડળીઓનું ખાતું સહકારી બેંકમાં ખોલાવવાનો અનુરોધ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશભરમાં બે લાખ જેટલી નવી પ્રાથમિક સહકારી મંડળીઓ અને ડેરીઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે સહકાર ક્ષેત્ર આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું ૧૯૦૦માં હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ચળવળને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને 'સહકારથી સમૃદ્ધિ' અને 'વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા' સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવાની વાત કરી હતી.

અમિતભાઈ શાહે સહકારી માળખાનો વ્યાપ વધારવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં આવેલા પરિવર્તનોને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા જરૂરી છે. તેમણે 'સાયન્સ ઓફ કો-ઓપરેશન અને સાયન્સ ઇન કો-ઓપરેશન' પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આઝાદી સમયે શરૂ થયેલા સહકારી આંદોલનનો વિકાસ થશે, દરેક રાજ્યમાં પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનશે, તો ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યનું સહકારી માળખું પણ મજબૂત બનશે.

અમિતભાઈ શાહે ત્રિસ્તરીય સહકારી માળખાના બદલે ચાર સ્તરીય સહકારી માળખાની વાત કરી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સહકારી માળખાને મજબૂત બનાવવા જણાવ્યું હતું. તેમણે સહકારિતાને શાસનનો હિસ્સો બનાવી પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી અને ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોવું જરૂરી છે. તેમણે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં થયેલા સારા કામની પ્રશંસા કરી હતી અને ગુજરાતમાં ત્રિભોવનભાઈ પટેલના નામથી શરૂ થયેલી સહકાર યુનિવર્સિટી સહકારી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને લીડ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સહકારી માળખાને મજબૂત બનાવવાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૯ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં PACS રજિસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. આ મંડળીઓ બીમાર ન પડે તે માટે વિકાસની નીતિ પણ ઘડવામાં આવશે. આ પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીની સમજ પણ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ પોતાના શૌર્યપરાક્રમથી તિરંગાની શાન વધારી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સહકાર સુધી નાનામાં નાના લોકોને સાથે રાખીને ચાલવાની પરંપરા શરૂ કરાવી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'ની સ્થાપના કરવામાં આવી અને અલાયદા સહકાર મંત્રાલયની શરૂઆત પણ તેમના નેતૃત્વમાં જ કરવામાં આવી છે. તેમણે અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવ્યું હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં ૮૯ હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૦ કરોડ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું. તેમણે આઝાદીના ૭૫ વર્ષ પછી દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ મળી હોવાનું પણ જણાવ્યું હતું અને 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્રને ચરિતાર્થ કરવા સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પોને પરસ્પર સહકાર, સંગઠન અને શક્તિથી ચરિતાર્થ કરવા ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું. સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સરદાર પટેલ જેવા આગેવાનોના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતાનો પાયો નખાયો હોવાનું જણાવ્યું હતું અને ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝુંબેશ સાથે જોડવા આહ્વાન કર્યું હતું. ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીને અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રે રહેલી ઊણપો દૂર કરી હોવાનું જણાવ્યું હતું અને આઇસીએ (એશિયા-પેસિફિક)ના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવે અમિતભાઈ શાહના સશક્ત નિર્ણયોથી સહકારી સંસ્થાઓ આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.

આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે થયેલા વિવિધ પ્રકલ્પોથી રાજ્યની સહકારી સંસ્થાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે 'સહકાર સંકલ્પ' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ૪૫૦૦થી વધુ સહકારી આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:59 PM IST)