News of Sunday, 18th May 2025
આકાશમાં મોતની ખામોશી : કો-પાઇલટ બેભાન : ૧૦ મિનિટ સુધી પાઇલટ વિના ઉડાન ભરતું મોતનું વિમાન!
ફ્રેન્કફર્ટથી સેવિલેની સફર બની મોતની સવારી : કેપ્ટન વોશરૂમમાં અને કોકપિટમાં છવાઈ અંધારી રાત! સ્પેનિશ તપાસ એજન્સીના ચોંકાવનારા ખુલાસા

મેડ્રિડ: ગયું વર્ષે લુફ્થાન્સાની એક ફ્લાઇટ સ્પેનના આકાશમાં મોતની ખામોશી લઈને ઉડી રહી હતી! કો-પાઇલટ અચાનક બેભાન થઈ ગયો, અને કેપ્ટન? કેપ્ટન તો હતા વોશરૂમના સલામત ઓથમાં! એરબસ A321નું એ વિમાન ૧૦ ભયાનક મિનિટ સુધી પાઇલટ વિના, જાણે કોઈ ભૂતિયા હાથોથી ચાલતું હોય તેમ આકાશમાં ભટકતું રહ્યું! જર્મન સમાચાર એજન્સી DPAના અહેવાલે આ ભયાનક ઘટનાનો પર્દાફાશ કર્યો છે.
૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ની એ કાળી તારીખે ફ્રેન્કફર્ટથી સ્પેનના સેવિલે જઈ રહેલી ફ્લાઇટમાં ૧૯૯ નિર્દોષ મુસાફરો અને છ ક્રૂ મેમ્બર્સના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્પેનિશ અકસ્માત તપાસ અધિકારી CIAIACના રિપોર્ટમાં આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો સામે આવી છે. જ્યારે કેપ્ટન પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે વોશરૂમમાં ગયા હતા, ત્યારે કોકપિટમાં એકલો રહેલો કો-પાઇલટ અચાનક ઢળી પડ્યો!
જાણે મોતનો સંદેશ લઈને આવેલી એ ખામોશીમાં, ઓટોપાયલટ મોડે વિમાનને સ્થિર રાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કોકપિટના વૉઇસ રેકોર્ડરે એ તણાવપૂર્ણ ક્ષણોમાં વિચિત્ર અવાજો કેદ કર્યા, જે કોઈ ગંભીર સ્વાસ્થ્ય કટોકટીનો સંકેત આપી રહ્યા હતા. કેપ્ટને પાંચ પાંચ વખત કોકપિટનો દરવાજો ખોલવાનો કોડ નાખ્યો, પણ પહેલેથી જ બેભાન કો-પાઇલટ ક્યાંથી જવાબ આપે? એર હોસ્ટેસે પણ અંદરથી કોઈ પ્રતિસાદ મેળવવા માટે ઇન્ટરકોમ પર કોશિશ કરી, પણ બધું વ્યર્થ!
અંતે, કેપ્ટને ઇમરજન્સી કોડનો સહારો લીધો, જે દરવાજો આપોઆપ ખોલી નાખે. પણ જાણે ચમત્કાર થયો! દરવાજો ખુલવાની થોડી ક્ષણો પહેલાં જ, પેલો બીમાર કો-પાઇલટ અચાનક બેહોશીની હાલતમાં પણ દરવાજો ખોલવામાં સફળ રહ્યો! એ દ્રશ્ય કેવું હશે? મોત સામે ઝઝૂમતો પાઇલટ અને બહાર પોતાના સાથીને બચાવવા માટે મથતો કેપ્ટન!
તત્કાળ પરિસ્થિતિની ગંભીરતા સમજીને, કેપ્ટને વિમાનને મેડ્રિડ તરફ વાળ્યું, જ્યાં તેના બેભાન સાથીદારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. લુફ્થાન્સાએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે, પણ એ ૧૦ મિનિટ સુધી આકાશમાં મોત સાથે રમેલા એ વિમાનના મુસાફરોના દિલમાં કાયમ માટે એક ડર પેસી ગયો હશે! આ ઘટનાએ એરલાઇન્સની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે. શું આકાશ હવે એટલું સુરક્ષિત નથી રહ્યું?
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
