<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી : રૂ. ૫.૧૦ કરોડનું ૫.૭૫ કિલો સોનું જપ્ત : બે સ્મગલરની ધરપકડ

નાગરિકે ચપ્પલની હીલમાં છુપાવ્યું હતું સોનું : લાઉન્જ કર્મચારી અને કરાર આધારિત કર્મચારી પણ સ્મગલિંગમાં સામેલ

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતાં સ્મગલિંગના બે અલગ-અલગ કેસમાં કુલ ૫.૭૫ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. ૫.૧૦ કરોડ છે. આ કેસમાં સંડોવાયેલા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રથમ કેસમાં લાઉન્જમાં કામ કરતા એક કર્મચારીને ડિપાર્ચર એરિયામાંથી પસાર થતી વખતે ઝડપવામાં આવ્યો હતો. તેની અંગત તપાસ કરતાં તેના અન્ડરગાર્મેન્ટ્સમાંથી વેક્સમાં છુપાવેલું ૨૮૦૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૨.૪૮ કરોડ છે. પ્રાથમિક તપાસમાં આ સોનું તેને કોઈ ટ્રાન્ઝિટ પેસેન્જર દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાય છે. આ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે.
બીજા કેસમાં, કરાર આધારિત કામ કરતા એક અન્ય કર્મચારીને ડિપાર્ચર એરિયાના સ્ટાફ એક્ઝિટ પોઇન્ટ પરથી પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી તેના જેકેટના ખિસ્સામાંથી વેક્સમાં છુપાવેલું ૨૯૫૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૨.૬૨ કરોડ છે. આ સોનું પણ તેને કોઈ ટ્રાન્ઝિટ પેસેન્જર દ્વારા આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને આ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરતાં એડિસ અબાબાથી આવેલા ચાદના એક નાગરિકને એરપોર્ટ પર અટકાવ્યો હતો. તેની અંગત તપાસ દરમિયાન તેની ચપ્પલની હીલમાં હોશિયારીથી છુપાવેલા ૪૦૧૫ ગ્રામ વજનના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ. ૩.૮૬ કરોડ છે. આરોપીએ પૂછપરછ દરમિયાન કસ્ટમથી બચવા માટે સોનું છુપાવ્યાની કબૂલાત કરી હતી. DRIએ આ સોનું જપ્ત કરી આરોપીની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:22 PM IST)