News of Sunday, 18th May 2025
ભાજપના 'તાજ' માટે બે મજબૂત દાવેદાર! ઓબીસી સમીકરણો વચ્ચે અટકળો તેજ : અંતિમ જાહેરાત ક્યારે?
જાતિગત ગણિત વચ્ચે ભાજપ અધ્યક્ષ પદની રેસ જામી : ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે કાંટાની ટક્કર : મેના અંત સુધીમાં નવા 'રાષ્ટ્રીય સરદાર'ની જાહેરાતની શક્યતા

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન તણાવ બાદ હવે દેશના સ્થાનિક રાજકારણ પર રાજકીય પંડિતોની નજર સ્થિર થઈ છે. રાજકીય ગલિયારોમાં સૌથી મોટી ચર્ચા એ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાને થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાર્ટીએ ફરીથી આ દિશામાં સક્રિયતા વધારી છે. વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઉત્તરાધિકારી તરીકે અત્યાર સુધી ઘણાં નામો પર ચર્ચા થઈ છે. અહેવાલોમાં જણાવાઈ રહ્યું છે કે હવે આ રેસમાં માત્ર બે નામો મુખ્યત્વે બચ્યા છે.
એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા સામાજિક સમીકરણો પર ધ્યાન આપી રહી છે, ત્યારે પાર્ટી નેતૃત્વ ઓબીસી ચહેરાને આગળ લાવીને સામાજિક સંતુલન સાધવાનો પ્રયાસ કરી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ બંને ઓબીસી સમુદાયમાંથી આવે છે અને લાંબા સમયથી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ઓડિશામાં ભાજપની મોટી જીત સમયે પ્રધાનનું નામ મુખ્યમંત્રી પદ માટે પણ સામે આવ્યું હતું, પરંતુ તેઓ કેન્દ્રમાં મંત્રી રહ્યા.
એવી પ્રબળ શક્યતા છે કે મે મહિનાના અંત સુધીમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે, જેથી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ નવા નેતૃત્વ સાથે શરૂ કરી શકાય. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ભાજપના રાજકારણ પર નજર રાખનારા નિષ્ણાતો માને છે કે ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ બંને નેતાઓએ ઘણા રાજ્યોમાં ચૂંટણી પ્રભારી તરીકે પાર્ટીને સારું પ્રદર્શન અપાવ્યું છે. પરંતુ અનુભવ અને સંગઠન પર પકડના સંદર્ભમાં ધર્મેન્દ્ર પ્રધાનના નામ પર પાર્ટી નેતૃત્વની સંમતિ બનવાની શક્યતા વધારે માનવામાં આવી રહી છે. જો કે, અંતિમ નિર્ણય પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા લેવાનો છે. સૌની નજર હવે ત્યાં જ છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
