News of Sunday, 18th May 2025
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો સનસનીખેજ આરોપ : ગૌરવ ગોગોઈ ISIના આમંત્રણથી પાકિસ્તાન ગયા, ત્યાં તાલીમ લીધી!
કોંગ્રેસ સાંસદ પર પાકિસ્તાન સરકાર સાથે સાંઠગાંઠનો ગંભીર આરોપ : રાહુલ ગાંધીને લોકસભામાં ગોગોઈને ઉપનેતા પદેથી હટાવવા માંગણી : હિમંતાનો દાવો - અમારી પાસે પુરાવા છે

ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગૌરવ ગોગોઈ ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના આમંત્રણથી પાકિસ્તાન ગયા હતા. આસામના મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગોગોઈ "તાલીમ લેવા" પાકિસ્તાન ગયા હતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અમારી પાસે તે દસ્તાવેજ છે." મુખ્યમંત્રી હિમંતાએ વધુમાં જણાવ્યું કે, "ગૌરવ ગોગોઈ પાકિસ્તાન ગૃહ વિભાગ તરફથી પત્ર મળ્યા બાદ ત્યાં ગયા હતા. તેઓ પાકિસ્તાન સરકારના આમંત્રણ પર ત્યાં ગયા હતા. વિદેશ મંત્રાલય કે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નહીં, તેઓ પાકિસ્તાન ગૃહ વિભાગના આમંત્રણ પર ત્યાં ગયા હતા. આ એક ગંભીર બાબત છે. આ પછી વધુ મોટી કાર્યવાહી કરવામાં આવશે."
ભારત-પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામેના યુદ્ધમાં ભારતના વલણ વિશે દેશોને માહિતી આપવા માટે અનેક રાષ્ટ્રીય રાજધાનીઓની મુલાકાત લેનારા ભારતીય પ્રતિનિધિમંડળમાં ઉત્તર-પૂર્વના સાંસદોના સમાવેશ અંગે સરમાએ કહ્યું, "અમે ખૂબ જ ખુશ છીએ કે ભારતીય પ્રતિનિધિમંડળમાં ઉત્તર-પૂર્વના ત્રણ મહત્વપૂર્ણ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નાગાલેન્ડના એક અને આસામના બે સાંસદો છે."
તેમણે ઉમેર્યું કે, "અમને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે અને અમને લાગે છે કે અમારા પ્રદેશના તમામ સાંસદો વૈશ્વિક મંચ પર ભારતના પ્રતિનિધિત્વમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકશે."
અગાઉ, મુખ્યમંત્રી હિમંતાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે તેઓ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા માટે વિદેશમાં મોકલવામાં આવનારા પ્રતિનિધિમંડળ માટે વિપક્ષી પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલા ચાર સંસદસભ્યોની યાદીમાંથી લોકસભામાં તેમના ઉપનેતા ગૌરવ ગોગોઈનું નામ પડતું મૂકે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર શેર કરેલી યાદીને ફરીથી પોસ્ટ કરતાં સરમાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આસામના સાંસદનો સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સમાવેશ ન કરવો જોઈએ.
"યાદીમાં દર્શાવેલ સાંસદોમાંથી એક (આસામના) એ પાકિસ્તાનમાં તેમના લાંબા સમયના રોકાણનો ઇનકાર કર્યો નથી, જે લગભગ બે અઠવાડિયા સુધી હતું, અને વિશ્વસનીય દસ્તાવેજો દર્શાવે છે કે તેમની પત્ની ભારતમાં કામ કરતી વખતે પાકિસ્તાન સ્થિત NGOમાંથી પગાર મેળવી રહી હતી," મુખ્યમંત્રીએ ગોગોઈનું નામ લીધા વિના આરોપ લગાવ્યો હતો.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
