<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત : ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવી

રૂ.૧૫૯૩ કરોડના ૯૪ વિકાસ કાર્યોની ભેટ : પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે વિશ્વ સમક્ષ ઉઘાડું પાડ્યું - અમિતભાઈ શાહ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિતભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ૪૦ વર્ષ રહ્યાનો આનંદ છે અને આટલો મોટો પલ્લવ બ્રિજ જોઈને હૃદયથી ખુશી થાય છે. એક જ કાર્યક્રમમાં આટલા મોટા પાયે વિકાસ કાર્યોની ભેટ મળવા બદલ તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને મુખ્યમંત્રીના નેતૃત્વને અભિનંદન આપ્યા હતા. તેમણે 'એક નાગરિક એક વૃક્ષ'નો સંકલ્પ લેવા અને યુવાનોને વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
પહેલગામ આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપતાં અમિતભાઈ શાહે ભારતીય સેનાને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ૧૦૦ કિમી અંદર જઈને આતંકી અડ્ડાઓનો સફાયો કર્યો છે અને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ આતંકવાદના મુદ્દે ઉઘાડું પાડ્યું છે. સેનાના પરાક્રમ અને વડાપ્રધાનની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે આ શક્ય બન્યું છે. આજે વિશ્વના યુવાનો ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલ વિશે જાણવા આતુર છે.
અમિતભાઈ શાહે વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનના ત્રણ મુદ્દાઓ - સિંધુનું પાણી અને લોહી એક સાથે નહીં વહે, ટ્રેડ અને ટેટરિઝમ એક સાથે ન થઈ શકે તથા ભારત હવે માત્ર પીઓકે અને આતંકવાદના ખાતમા અંગે જ વાતચીત કરશે - સ્પષ્ટ કર્યા હતા. તેમણે વડાપ્રધાનની રાજકીય દૃઢ ઇચ્છાશક્તિ અને સેનાની વીરતા તેમજ ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતીના વખાણ કર્યા હતા. ઓપરેશન સિંદૂર દેશની સુરક્ષાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે અને તે દેશની માતૃશક્તિને મળેલું સૌથી મોટું સન્માન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને કારણે આજે અમદાવાદને કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૩ લાખથી વધુ આવાસો બનાવવામાં આવ્યા હોવાનું અને અમિતભાઈ શાહના હસ્તે વધુ ૩૫૦૧ આવાસોની ભેટ મળવાનો ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ દેશની સીમા પાર અને અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીને નાગરિકોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે.
કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેને સૌનું સ્વાગત કર્યું હતું. અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂક પામેલા ૭૦૦થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગ્રામોદ્યોગ યોજના હેઠળ વિવિધ કારીગરોને સાધનોનું વિતરણ કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનો ડ્રો પણ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દિનેશભાઈ મકવાણા, સાંસદ નરહરિભાઈ અમીન અને અન્ય ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે કુલ ૯૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ પ્રોજેક્ટ, હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર અને ગાર્ડન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

 

(8:48 PM IST)