News of Sunday, 18th May 2025
મહારાષ્ટ્રની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ : ત્રણ મહિલા અને એક બાળક સહિત ૮ લોકોનાં મોત
સોલાપુર MIDCમાં આવેલી સેન્ટ્રલ ટેક્સટાઇલ મિલમાં વહેલી સવારે આગ ફાટી નીકળેલ : ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગ્યા

મુંબઈ: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રવિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત આઠ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈથી લગભગ ૪૦૦ કિમી દૂર સોલાપુર MIDCમાં અક્કલકોટ રોડ પર આવેલી સેન્ટ્રલ ટેક્સટાઇલ મિલ્સમાં વહેલી સવારે આશરે ૩:૪૫ વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
મૃતકોમાં ફેક્ટરીના માલિક હાજી ઉસ્માન હસનભાઈ મન્સૂરી, તેમના પરિવારના ત્રણ સભ્યો જેમાં તેમનો દોઢ વર્ષનો પૌત્ર અને ચાર કામદારોનો સમાવેશ થાય છે. એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
આગની તીવ્રતા એટલી વધારે હતી કે ફાયર બ્રિગેડના કર્મચારીઓને ભડકતી જ્વાળાઓ પર કાબૂ મેળવવા માટે પાંચથી છ કલાકનો સમય લાગ્યો હતો. ઘટનાસ્થળે હજુ પણ ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
