<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

આતંક અને વેપાર એક સાથે ક્યારેય ન થઈ શકે: અમિતભાઇ શાહની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી

તેમણે ઓપરેશન સિંદૂરને લઈને ભારતીય સેનાના વખાણ કર્યા સાથે જ પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપ્યો

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે રવિવારે અમદાવાદમાં આવ્યા હતા. જેમાં તેમણે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. તેમણે આજે ઓપરેશન સિંદૂરને લઈને ભારતીય સેનાના વખાણ કર્યા સાથે જ પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આતંક અને વેપાર એકસાથે ન થાય. સાથે જ કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નહીં રોકે તો સિંધુ નદીમાંથી તેમને એક ટીપું પણ પાણી નહીં મળે. આ સિવાય અમિતભાઈ  શાહે એવું પણ કહ્યું કે પાકિસ્તાનના એરબેઝ તબાહ કરી નાખવામાં આવ્યા છે.

વધુમાં અમિતભાઈ શાહે કહ્યું કે પીએમ મોદીએ જ્યારે દેશને સંબોધિત કર્યો ત્યારે તેમણે સાફ કરી દીધું કે લોહી અને પાણી એકસાથે નહીં વહે. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું કે આતંકનો કારોબાર રોકવા સુધી તે એક એક પાણીના ટીપા માટે તરસ્યું રહેશે. આતંકવાદ અને વેપાર સાથે નહીં ચાલી શકે. જો તમે આતંકવાદને તમારા દેશમાં સ્થાન આપશો તો તમામ વેપારને ખતમ કરી દેવામાં આવશે.

અમિતભાઈ  શાહે કહ્યું કે પાકિસ્તાન સાથે વાત થશે તો હવે પીઓકેને પરત લેવા અને આતંકવાદને ખતમ કરવા પર થશે. આ પહેલા અમિત શાહે રવિવારે સેનાઓના સન્માનમાં અમદાવાદમાં તિરંગા યાત્રા કાઢી હતી. જેમાં તેઓ ભીડની વચ્ચે રાષ્ટ્ર ધ્વજ સાથે ચાલતા નજરે પડ્યા હતા. સાથે જ તેમણે 16મી સદીના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં સાણંદ અને તેની આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. લોકોએ તિરંગા યાત્રામાં ભારત માતાની જયના નારા સાથે સેનાના બળ અને સેનાના સાહસને તેમજ તેમની વીરતાને સલામી આપી હતી.ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં ભાજપ તરફથી સેનાના સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે.

(10:46 PM IST)