News of Monday, 19th May 2025
બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધો : દસ્તાવેજો તપાસો અને તેમને કાઢી મૂકો
કેન્દ્રએ રાજયોને ૩૦ દિવસનો સમય આપ્યો : જો તેઓ નિષ્ફળ જશે તો તેમને દેશનિકાલ કરવામાં આવશે : રાજ્યોને અટકાયત કેન્દ્રો સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૧૯: ગળહ મંત્રાલય (MHA) એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ, જેઓ ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે, તેમના દસ્તાવેજો ઓળખવા અને તપાસવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. મંત્રાલયના નિર્દેશો મુજબ, જો ૩૦ દિવસની અંદર તેમના દસ્તાવેજોની ચકાસણી નહીં થાય, તો તેમને દેશમાંથી દેશનિકાલ કરવામાં આવશે.
આ મહિને જારી કરાયેલા નિર્દેશોમાં, ગળહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વૈધાનિક શક્તિઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ઓળખ, તપાસ અને દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત, મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે પૂરતા પ્રમાણમાં અટકાયત કેન્દ્રો સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં શંકાસ્પદ સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રાખવામાં આવશે. આ પગલું કેન્દ્ર સરકારની નીતિનો એક ભાગ છે જેના હેઠળ બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂચનાઓ શું છે? : ગળહ મંત્રાલયે પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓનો રેકોર્ડ રાખવો પડશે જેમને દેશનિકાલ માટે બોર્ડર સિકયુરિટી ફોર્સ (ગ્લ્જ્) અને કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવે છે, એમ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત, દર મહિનાની ૧૫ તારીખે કેન્દ્ર સરકારને આ સંદર્ભે રિપોર્ટ સુપરત કરવો ફરજિયાત રહેશે. મંત્રાલયે ઇમિગ્રેશન બ્યુરોને દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓની યાદી જાહેર પોર્ટલ પર પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આધાર નંબર, મતદાર ઓળખ કાર્ડ અને પાસપોર્ટ જારી કરવાથી રોકવા માટે આ ડેટા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલય સાથે શેર કરવામાં આવશે. જો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પાસે પહેલાથી જ આવા દસ્તાવેજો હશે, તો તેમને નિષ્ક્રિય કરવામાં આવશે અને સંબંધિત લાભો બંધ કરવામાં આવશે.
ગળહ મંત્રાલયે બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની ભારતીય સરહદોનું રક્ષણ કરતા બોર્ડર સિકયુરિટી ફોર્સ (BSF) અને આસામ રાઇફલ્સના ડાયરેક્ટર જનરલને પણ આ સૂચનાઓ જારી કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પાછા મોકલવા માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નહોતી, જેના કારણે અન્ય રાજ્યોમાંથી ચકાસણી રિપોર્ટ મેળવવામાં ઘણીવાર મહિનાઓ લાગતા હતા. નવી સૂચનાઓ સાથે આ પ્રક્રિયાને ઝડપી અને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજ્યોમાં કાર્યવાહી શરૂ થઈઃ ગળહ મંત્રાલયના નિર્દેશો બાદ, ઘણા રાજ્યોએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા અને અટકાયતમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં, સુરત અને અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લગભગ ૬,૫૦૦ શંકાસ્પદ સ્થળાંતર કરનારાઓની અટકાયત કરવામાં આવી હતી. રાજસ્થાને તાજેતરમાં જ ૧૪૮ ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓને ખાસ ફ્લાઇટ દ્વારા પશ્ચિમ બંગાળ મોકલ્યા હતા, જ્યાંથી તેમને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થશે.
ઝારખંડે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ પણ શરૂ કરી છે. ગળહ મંત્રાલયે આ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે, જેમાં જિલ્લા સ્તરે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા અને તેની ચકાસણી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરહદ પર ‘પુશ બેક' કરવાની પ્રક્રિયાને આસામ સરકારે સંસ્થાકીય બનાવી છે. ગેરકાયદેસર ઘુસણખોરો સાથે વ્યવહાર કરવાનો આ એક વૈકલ્પિક રસ્તો છે, જે કાનૂની પ્રક્રિયાથી અલગ છે. તાજેતરના ઘણા કિસ્સાઓમાં, બાંગ્લાદેશ અને મ્યાનમારના લોકોને તેમની મૂળ સરહદો પર ‘પાછા ધકેલી' દેવામાં આવ્યા છે.
જોકે, આ પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે દિલ્હીમાં અટકાયતમાં રાખેલા ૩૮ રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરીથી મ્યાનમાર પાછા મોકલવામાં આવ્યા હતા. જોકે, શુક્રવારે કોર્ટે કહ્યું કે અરજીમાં આ દાવાઓને સાબિત કરવા માટે કોઈ નક્કર સામગ્રી મળી નથી.
તમને જણાવી દઈએ કે ભારત ૧૯૫૧ના સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી સંમેલન અથવા તેના ૧૯૬૭ના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરનાર નથી, જેના કારણે દેશમાં શરણાર્થીઓ માટે કોઈ રાષ્ટ્રીય નીતિ કે કાયદો નથી. ગળહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માન્ય મુસાફરી દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશતા વિદેશી નાગરિકોને ગેરકાયદેસર સ્થળાંતર માનવામાં આવે છે.(૨૩.૨)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
