<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

કોલકાતા નજીક ટીટાગઢમાં એપાર્ટમેન્ટમાં જોરદાર વિસ્ફોટ : દિવાલોમાં તિરાડો : તપાસ શરૂ

સ્થાનિક ટીએમસી કાઉન્સિલર અરમાન મંડલે ભાડે રાખ્યો હતો ફ્લેટ : વિસ્ફોટ સમયે કોઈ હાજર નહોતું : ફ્લેટમાં રહેલા વિસ્ફોટકોને કારણે બ્લાસ્ટની આશંકા

કોલકાતા: કોલકાતા નજીક ટીટાગઢમાં સોમવારે સવારે એક એપાર્ટમેન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ફ્લેટની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને એક ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ટીટાગઢ મ્યુનિસિપાલિટીના ગીચ વોર્ડ ૪માં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ડીસીપી આઈબી ઝાએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે લગભગ ૭ વાગ્યે ટીટાગઢ પોલીસ સ્ટેશનને વિસ્ફોટની જાણ થઈ હતી. તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે જો આ ઘટના અંગે કોઈ ફરિયાદ દાખલ નહીં થાય તો પોલીસ સુઓ મોટો કેસ દાખલ કરશે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી અને જે ફ્લેટમાં વિસ્ફોટ થયો તે ખાલી હતો. પોલીસ હાલમાં આ ફ્લેટ કોના કબજામાં હતો તેની તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્થાનિક ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ)ના કાઉન્સિલર અરમાન મંડલે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિસ્ફોટ થયો ત્યારે ફ્લેટમાં કોઈ હાજર નહોતું, જેના કારણે કોઈને ઈજા થઈ નથી, પરંતુ બ્લાસ્ટના કારણે ફ્લેટની દિવાલો ઉડી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ફ્લેટમાં રાખેલા કેટલાક વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હોઈ શકે છે અને હાલમાં આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કોંક્રિટનો કાટમાળ પડવાથી એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી એક ઝૂંપડીને પણ નુકસાન પહોંચ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં વિસ્ફોટના કારણ અંગે વધુ માહિતી સામે આવી શકે છે.

 

(4:52 PM IST)