News of Monday, 19th May 2025
લાંબા મૌન બાદ સીમા હૈદરનું સસ્પેન્સ : 'હું ટૂંક સમયમાં સારા સમાચાર આપવાની છું!'
પહલગામ હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સીમાનું નવું નિવેદન : પાકિસ્તાની પતિ ગુલામ હૈદરને પણ આપ્યો જવાબ : ભારત સરકારનો માન્યો આભાર

ગ્રેટર નોઈડા: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા માહોલ વચ્ચે લાંબા સમયથી મૌન ધારણ કરનારી સીમા હૈદરે હવે એક નવું સસ્પેન્સ ઊભું કર્યું છે. તાજેતરમાં સચિન મીનાની પુત્રીને જન્મ આપનારી સીમા હૈદરે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર આપવાની છે. જો કે, સીમાએ આ સારા સમાચાર શું છે તેનો કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તેનો ખુલાસો કરવાની વાત કહી છે.
પહેલગામ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને તેમને તાત્કાલિક પાછા ફરવા જણાવ્યું હતું, જેના પગલે સીમા હૈદરને પણ પાકિસ્તાન પરત મોકલવાની માંગણી જોર પકડી રહી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે વિઝા ધરાવતા પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે, તો ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરને કેમ નહીં? જો કે, સીમા હૈદરનો કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તે પહેલાની જેમ ગ્રેટર નોઈડામાં સચિન મીનાના ઘરે જ રહે છે.
હવે, લાંબા સમયના મૌન બાદ સીમા હૈદરે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કરીને આ સારા સમાચાર વિશે વાત કરી છે. વિડીયોમાં સીમા સચિનની બાજુમાં બેઠી છે, જે બાળકોને ભણાવી રહ્યો છે. સીમા કહે છે, 'હું તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર આપવા જઈ રહી છું. સારા સમાચાર છે પણ હું થોડી મોડી આપવા માંગુ છું. તે સારા સમાચાર શું છે, તે તમને ખૂબ જ જલ્દી ખબર પડશે. તે ખૂબ જ સારી વાત છે. તમે બધા જે મને ટેકો આપો છો, મને પ્રેમ કરો છો તે સાંભળીને ખુશ થશો. જેઓ નફરત કરે છે તેઓ નફરત જ રહેશે, તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય.'
આ ઉપરાંત સીમા હૈદરે તેના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરને પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે સચિન બાળકોની ખૂબ સારી રીતે દેખભાળ કરી રહ્યો છે અને કોઈએ પણ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે બાળકોની અવગણના થઈ રહી છે. સીમાએ ભારતમાં મળી રહેલા પ્રેમ અને સમર્થન બદલ સરકાર અને અહીંના લોકોનો આભાર માન્યો હતો. તેણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકારનો હૃદયથી આભાર માન્યો હતો. સીમાએ ભારપૂર્વક કહ્યું હતું કે 'એક ભારતીય ક્યારેય ખોટો ન હોઈ શકે.' તેણે ગુલામ હૈદરના દુર્વ્યવહાર અને સચિનના પ્રેમાળ વર્તનની સરખામણી પણ કરી હતી. હવે સૌની નજર સીમા હૈદરના આ 'સારા સમાચાર' પર ટકેલી છે કે તે શું ખુલાસો કરે છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
