<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

દેવભૂમિ દ્વારકા પોલીસનો સપાટો! વ્હાઇટ કોલર બુટલેગરોની નશાની નવી યુક્તિનો પર્દાફાશ : સેનિટાઇઝરના નામે ઝેર વેચતા ત્રણ ઝડપાયા!

હાથ સાફ કરવાના સેનિટાઇઝરમાંથી નશો! ૫૬% થી વધુ આલ્કોહોલની હાજરી : મુંબઈની ફેક્ટરી પર પણ દરોડો : ભૂતકાળમાં પણ આવા કારસ્તાનો કરનારા આરોપીઓની ધરપકડ : મુખ્ય સૂત્રધાર સહિત ચાર ફરાર

(કૌશલ સાવજાણી દ્વારા), જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે સમાજમાં છૂપી રીતે નશાનો કારોબાર ચલાવતા વ્હાઇટ કોલર બુટલેગરો વિરુદ્ધ એક મોટી અને સંગઠિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સખત નિર્દેશો અને સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે નશાના વેપારીઓની એક નવી યુક્તિનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ હાથ સાફ કરવાના સેનિટાઇઝરના નામે ઊંચી માત્રામાં આલ્કોહોલ ધરાવતું નશીલું પીણું વેચી રહી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સહિત ચાર અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.
ગત તા. ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ટુંપણી ગામમાં સવદાસભાઈ કરશનભાઈ પોપાણીયાની ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં શંકાસ્પદ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો અને ત્યાંથી "Faithic" બ્રાન્ડના ગ્રીન એપલ અને ઓરેન્જ હેન્ડ રબની કુલ ૭૪ બોટલો મળી આવી. આ બોટલોના લેબલ પર ભલે હાથ સાફ કરવા માટેનું લખાણ હતું, પરંતુ પોલીસને આ પ્રવાહી શંકાસ્પદ લાગ્યું અને તેને તપાસ માટે કબ્જે કરવામાં આવ્યું.
પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.પી. ભટ્ટ અને એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને તાત્કાલિક દ્વારકા ખાતે કેમ્પ કરી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી. પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને દુકાન માલિક સવદાસભાઈ પોપાણીયાની ધરપકડ કરી. વધુ તપાસમાં આ કૌભાંડમાં ચિરાગ લીલાધરભાઈ થોભાણી (ખંભાળીયા) અને અક્રમ નજીર બાનવા (ખંભાળીયા)ની પણ સંડોવણી બહાર આવી, જેથી પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી. આ બંને આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે અને તેઓ અગાઉ પણ નશાના કારોબારમાં પકડાઈ ચૂક્યા છે.
પોલીસની તપાસમાં આ નશીલા પ્રવાહીના ઉત્પાદનનું મૂળ મુંબઈના વસઈમાં આવેલી એચ.આર.હર્બલ નામની ફેક્ટરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક એક ટીમ મુંબઈ મોકલી અને ફેક્ટરી પર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન કબ્જે કરવામાં આવેલા સેનિટાઇઝરના નમૂનાઓને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવ્યા, જેના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા. એફએસએલ રિપોર્ટ અનુસાર, આ સેનિટાઇઝરમાં ૫૬.૩ ટકા અને ૫૭.૧ ટકા જેટલું ઊંચું પ્રમાણ ઇથાઇલ આલ્કોહોલનું મળી આવ્યું છે, જે નશા માટે પૂરતું છે. આ ઉપરાંત તેમાં ૨.૫ ટકા અને ૨.૨ ટકા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ મળી આવ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ આ સેનિટાઇઝરને સામાન્ય લોકોને નશાના ઇરાદે પીવડાવી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હતા.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજાનો પણ સમાવેશ થાય છે, જે ભૂતકાળમાં પણ આવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં ભાવનગર રહે છે. તે રાજ્ય બહાર રહીને આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. પોલીસ તેની ધરપકડ કરવા માટે પણ સઘન પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત ધર્મેશ ઉર્ફે રઘો (કલ્યાણપુર), હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી (કચ્છ, હાલ મુંબઈ) અને સંગીતા આયુર્વેદિક કેરના બ્રિજેશ ભાવેશભાઈ જાદવ (પોરબંદર) પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે અને તેઓ હાલ ફરાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે આ વ્હાઇટ કોલર બુટલેગરોની ખતરનાક યુક્તિનો પર્દાફાશ કરીને સમાજને એક ગંભીર ખતરાથી બચાવ્યો છે. પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાના કારોબાર સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી.ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.દેવમુરારી અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે ફરાર આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરી રહી છે.

 

(9:19 PM IST)