<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

નવ દિવસમાં બ્‍લડ કેન્‍સરનો ખાત્‍મો ભારતીય ડોક્‍ટરોએ મોટી સફળતા મેળવી

તમિલનાડુના વેલ્લોરના ક્રિશ્‍ચિયન મેડિકલ કોલેજ (CMC) ના ડોક્‍ટરોએ ICMR સાથે મળીને આ પરીક્ષણ કર્યુ છે. તેને વેલકારટી નામ આપવામાં આવ્‍યું છેઃ પહેલી વાર કાર-ટી સેલ કોષો બનાવવામાં આવ્‍યા છે અને હોસ્‍પિટલમાં જ બનાવાયા છે. ડોક્‍ટરોનું કહેવું છે કે ૧૫ મહિના પછી પણ ૮૦% દર્દીઓમાં કેન્‍સર જોવા મળ્‍યું નથી

 

 

ચેન્‍નાઇ તા.૨૧: ભારતીય ડોક્‍ટરોએ માત્ર નવ દિવસમાં બ્‍લડ કેન્‍સર મટાડ્‍યું. ઉપરાંત પહેલી વાર CAR-T કોષો હોસ્‍પિટલમાં જ બનાવવામાં આવ્‍યા હતા અને દર્દીઓને આપવામાં આવ્‍યા હતા. નવી દિલ્‍હી સ્‍થિત ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કેન્‍સરની સારવારમાં એક મોટી સફળતાની જાહેરાત કરી છે કે ૧૫ મહિના પછી પણ ૮૦% દર્દીઓમાં કેન્‍સર સક્રિય જોવા મળ્‍યું નથી.

ICMR ના જણાવ્‍યા મુજબ, આ ટ્રાયલ બતાવે છે કે કેન્‍સરની સારવાર સસ્‍તામાં, ઝડપથી અને દર્દીઓની નજીક કેવી રીતે થઈ શકે છે. ભારત હવે સ્‍વદેશી બાયોથેરાપી વિકસાવવામાં અગ્રેસર બની રહ્યું છે, જે વૈશ્વિક સ્‍તરે પણ મહત્‍વપૂર્ણ છે. આ સફળતા ICMR અને CMC વેલ્લોરના વેલ્‍કાર્ટી નામના ક્‍લિનિકલ ટ્રાયલમાં પ્રાપ્ત થઈ છે. આ પરીક્ષણના પરિણામો મોલેકયુલર થેરાપી ઓન્‍કોલોજી જર્નલમાં પ્રકાશિત થયા છે.

જર્નલમાં પ્રકાશિત વિગતો અનુસાર, ડોકટરોએ એકયુટ લિમ્‍ફોબ્‍લાસ્‍ટિક લ્‍યુકેમિયા (ALL) અને લાર્જ બી-સેલ લિમ્‍ફોમા (LBCL) ના દર્દીઓ પર CAR-T થેરાપીનું પરીક્ષણ કર્યું. આ બંને બ્‍લડ કેન્‍સરના પ્રકારો છે. આ પ્રક્રિયામાં, દર્દીના પોતાના ટી-કોષો (રોગ-તિકારક કોષો) કેન્‍સર સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્‍યા હતા. જો કે, ભારતમાં CAR-T થેરાપીનો આ પહેલો અભ્‍યાસ નથી. ઇમ્‍યુનો એક્‍ટ અને ટાટા મેમોરિયલ હોસ્‍પિટલ મુંબઈએ સાથે મળીને પ્રથમ સ્‍વદેશી ઉપચાર વિકસાવ્‍યો હતો જેને ૨૦૨૩ માં કેન્‍દ્ર તરફથી મંજૂરી પણ મળી હતી.

ICMR એ ટ્રાયલના પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે એકયુટ લિમ્‍ફોબ્‍લાસ્‍ટિક લ્‍યુકેમિયા (ALL) કેન્‍સરથી પ્રભાવિત બધા દર્દીઓ સાજા થયા હતા, જ્‍યારે મોટા B-સેલ લિમ્‍ફોમા (LBCL) ના ૫૦% દર્દીઓ સાજા થયા હતા. બંને પ્રકારના દર્દીઓ પર લાંબા સમય સુધી દેખરેખ રાખવામાં આવી હતી જેમાં ૮૦% દર્દીઓ ૧૫ મહિના પછી પણ રોગમુક્‍ત રહ્યા હતા. જો કે, આ દરમિયાન, દર્દીઓમાં ઉપચારની હળવી આડઅસરો જોવા મળી છે, પરંતુ ન્‍યુરોટોક્‍સિસિટી એટલે કે નર્વસ સિસ્‍ટમ પર અસર જોવા મળી નથી.

CMC વેલ્લોરના ડોકટરોએ જણાવ્‍યું હતું કે આ પ્રક્રિયા હોસ્‍પિટલમાં જ ઓટોમેટિક મશીનો દ્વારા કરવામાં આવી હતી, જેમાં લગભગ નવ દિવસ લાગ્‍યા હતા. જ્‍યારે વૈશ્વિક સ્‍તરે, CAR-T ઉપચારમાં ઓછામાં ઓછા પાંચ અઠવાડિયા એટલે કે ૪૦ દિવસ લાગે છે. ભારતીય ટ્રાયલમાં, દર્દીના તાજા કોષોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, જેના કારણે તેઓ ઝડપથી સ્‍વસ્‍થ થયા. તેમણે કહ્યું કે ભારતે એક એવી પ્રક્રિયાને જન્‍મ આપ્‍યો છે જે ૯૦ ટકાથી વધુ સસ્‍તી છે.

ભારતમાં, જ્‍યાં કેન્‍સરની સારવાર મોંઘી છે અને મોટાભાગના લોકો પાસે વીમો નથી, આ ઉપચાર ખર્ચ ૯૦%  ઘટાડે છે. વૈશ્વિક સ્‍તરે, CAR-T ઉપચારનો ખર્ચ US ઼ ૩,૮૦,૦૦૦-૫,૨૬,૦૦૦ (લગભગ રૂ. ૩-૪ કરોડ) છે, પરંતુ VelcarT મોડેલે હવે તેને ઘણી ઓછી કિંમતે ઉપલબ્‍ધ કરાવવાનો માર્ગ ખોલ્‍યો છે. ECMR કહે છે કે ભારતમાં દર વર્ષે ૫૦ હજાર નવા લ્‍યુકેમિયા દર્દીઓ ઉભરી રહ્યા છે.(૩૮.૧૮)

 

(10:20 AM IST)