<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

'આ ભારત છે, હું હિન્દી બોલીશ, કન્નડ નહીં' : કર્ણાટક SBI કર્મચારીએ ભાષા વિવાદ જગાવ્યો : CM સિદ્ધારામૈયાએ વર્તનને 'સખત નિંદનીય' ગણાવ્યું

SBI અધિકારીએ કન્નડ બોલવાનો ઇનકાર કરતા લોકોમાં રોષ ફેલાયો : વીડિયો વાયરલ થતા માફી માંગી : CMએ નાણા મંત્રાલયને તાલીમ ફરજિયાત કરવા વિનંતી કરી

 

બેંગલુરુ : કર્ણાટકમાં ભાષા વિવાદ ફરી સપાટી પર આવ્યો છે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એક કર્મચારીએ ગ્રાહક સાથે કન્નડમાં વાત કરવાનો ઇનકાર કર્યો અને 'આ ભારત છે, હું હિન્દી બોલીશ, કન્નડ નહીં' તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો. અનેકલ તાલુકાની સૂર્ય નગર શાખામાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં, એક ગ્રાહક મહિલા અધિકારીને કન્નડમાં વાત કરવા વિનંતી કરતો સંભળાય છે, ત્યારે અધિકારી જવાબ આપે છે, "આ ભારત છે," અને ભારપૂર્વક કહે છે કે તે કન્નડ નહીં બોલે અને માત્ર હિન્દી જ બોલશે. વાતચીત ઉગ્ર બનતા, અધિકારી "હું ક્યારેય કન્નડ નહીં બોલું" તેમ કહેતા સાંભળી શકાય છે. આ ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગઈ, જેમાં યુઝર્સે કેન્દ્રીય નાણામંત્રી અને ભારતીય રિઝર્વ બેંકને ટેગ કરીને સ્ટાફ પર હિન્દી લાદવાનો, ગ્રાહકો સાથે ગેરવર્તન કરવાનો અને RBIની માર્ગદર્શિકાને અવગણવાનો આરોપ મૂક્યો.
CM સિદ્ધારામૈયાનો આક્રોશ: 'સ્થાનિક ભાષાનો આદર એ લોકોનો આદર છે'
આ ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ પણ અધિકારીના આ વર્તનને "સખત નિંદનીય" ગણાવ્યું. તેમણે 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું, "અનેકલ તાલુકાના સૂર્યા નગરામાં SBI શાખા મેનેજરનું કન્નડ અને અંગ્રેજીમાં બોલવાનો ઇનકાર અને નાગરિકો પ્રત્યે અનાદર દર્શાવવાનું વર્તન ખૂબ જ નિંદનીય છે."
મુખ્યમંત્રીએ SBI દ્વારા અધિકારીની બદલી કરવાની કાર્યવાહીને આવકારી હતી, પરંતુ નાણા મંત્રાલયને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આવી ઘટનાઓ ફરીથી ન થવી જોઈએ. બધા બેંક કર્મચારીઓએ ગ્રાહકો સાથે ગૌરવ સાથે વર્તવું જોઈએ અને સ્થાનિક ભાષામાં વાત કરવાનો તમામ પ્રયાસ કરવો જોઈએ. હું નાણા મંત્રાલય અને નાણાકીય સેવાઓ વિભાગને સમગ્ર ભારતમાં તમામ બેંક કર્મચારીઓ માટે સાંસ્કૃતિક અને ભાષા સંવેદનશીલતા તાલીમ ફરજિયાત કરવા વિનંતી કરું છું." તેમણે અંતમાં ઉમેર્યું, "સ્થાનિક ભાષાનો આદર કરવો એ લોકોનો આદર છે."
માફી માંગવાનો વારો આવ્યો
વિવાદ વકરતા અને સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકાનો સામનો કર્યા બાદ, SBI અધિકારીએ પાછળથી એક સાથીદારની મદદથી કન્નડમાં માફી માંગતો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે કહેતી જોવા મળે છે, "જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલથી માફી માંગુ છું. હું આગળ કન્નડમાં વ્યવસાય કરવાનો પ્રયાસ કરીશ."
આ ઘટનાએ ફરી એકવાર રાષ્ટ્રીયકૃત બેંકો અને જાહેર સેવાઓમાં સ્થાનિક ભાષાઓના ઉપયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.

(4:11 PM IST)