News of Wednesday, 21st May 2025
અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણ વકર્યું : રિબડા ખાતે 20થી વધુ ગામોના સરપંચો એકઠા થયા : SIT ની રચના કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ! : જુઓ વિડિયો
પરિવારે 15-20 દિવસમાં ન્યાય નહીં મળે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી : રીબડાની હોટેલોમાં દારૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ

રાજકોટ, 21 મે 2025: ગોંડલ તાલુકાના અમિત ખૂંટના આત્મહત્યા પ્રકરણમાં હવે મામલો વધુ ગરમાયો છે. આજે રિબડા ગામ ખાતે ગોંડલ તાલુકાના 20 થી વધુ ગામોના સરપંચો અને તેમના પ્રતિનિધિઓ, ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સભ્યો સહિત અઢારેય વર્ણના આગેવાનો એકત્રિત થયા હતા. આ તમામ આગેવાનોએ મૃતક અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય મળે અને આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાથી રાજકોટ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સરપંચોએ આરોપીઓ વિરુદ્ધ ઠાલવ્યો આક્રોશ - 'અમિત ખૂંટને ફસાવવામાં આવ્યા':
રિબડા ગામે એકત્રિત થયેલા સરપંચો અને ઉપસરપંચોએ અમિત ખૂંટ આત્મહત્યા કેસના આરોપીઓ વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમિત ખૂંટને કાવાદાવા કરી ફસાવવામાં આવ્યા હતા." વધુમાં, સરપંચોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમિત ખૂંટને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, જેના કારણે તેણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. આ કેસના મુખ્ય આરોપીઓ અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર હોવાથી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
સરપંચોએ રીબડા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રીબડામાં આવેલી ઠાકરધણી હોટેલ અને બાપાસીતારામ હોટેલમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને જુગારના અડ્ડા પણ ચાલે છે. આ મામલે પણ તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
મુખ્ય રીતે ઉપસ્થિત રહેલા ગામોના સરપંચો/પ્રતિનિધિઓ:
બિલિયાળા, ધુડશિયા, શિવરાજગઢ, દેવસડી, કન્ટોલિયા, વોરા કોટડા, જામ વાડી, ગુંદાળા, મૂંગા વાવડી, કોલીથડ, હડમતાળા, હરમડિયા, બેટાવડ, વાસાવડ, ધરાળા, પાટ ખીલોરી, મોટી ખીલોરી, દેરડી સુલતાનપુર, લીલાખા, નવા ગામ, ભંડારિયા, ચરખડી, વેકરી, પાટીદળ, આંબેડી, મોટા ઉમવાડા, નાના ઉમવાડા, વીંજીવડ, નાના સખપુર, સાજડીયાળી, ડહૈયા, વાસરા, ત્રાકુળા, ભરૂડી, ઘોઘાવદર.
પરિવારની આત્મવિલોપનની ચીમકી: "15-20 દિવસમાં ન્યાય નહીં મળે તો સામૂહિક આત્મવિલોપન કરીશું":
મૃતક અમિત ખૂંટના કાકા, જયંતીભાઈ ખૂંટે આ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "જો 15 થી 20 દિવસમાં અમારા પરિવારજનોને ન્યાય નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું." આત્મહત્યા નોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં તેમની ધરપકડ ન થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાય માટે પરિવારની આ અંતિમ ચીમકીથી પોલીસ અને વહીવટી તંત્ર પર દબાણ વધી ગયું છે. આ પ્રકરણ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યું છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
