News of Thursday, 22nd May 2025
વડાપ્રધાન મોદીએ 18 રાજ્યોના 103 'અમૃત સ્ટેશનો'નું કર્યું ઉદ્ઘાટન : ગુજરાતના 18 સ્ટેશનોનો કાયાકલ્પ!
₹26,000 કરોડના મહાકાય પ્રોજેક્ટથી રેલવેનું આધુનિકીકરણ અને રોજગારી-પ્રવાસનને મળશે વેગ : 1000 કિમી રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન પણ થયું

બિકાનેર, રાજસ્થાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતેથી દેશના રેલવે માળખાને નવો આકાર આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રિડેવલપ કરાયેલા 103 'અમૃત સ્ટેશનો'નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. કરણી માતાના મંદિરે દર્શન કર્યા બાદ, PM મોદીએ કુલ ₹26,000 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ વિશાળ પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો.
આ ભવ્ય પ્રોજેક્ટમાં માત્ર રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ જ નહીં, પરંતુ 1000 કિલોમીટરના રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન, સાત મોટા રોડ પ્રોજેક્ટ, ત્રણ વ્હીકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનના 900 કિલોમીટર નેશનલ હાઈ-વેના કામકાજનો પણ સમાવેશ થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડીને તેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનો છે.
ગુજરાતના 18 સ્ટેશનોનો થયો કાયાકલ્પ
'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ગુજરાતના અનેક મહત્વપૂર્ણ સ્ટેશનોનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતના જે સ્ટેશનોને નવું સ્વરૂપ મળ્યું છે તેમાં સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
રેલવેના વિકાસ માટે ₹10,000 કરોડની વધારાની ફાળવણી
કેન્દ્ર સરકારે રેલવેના વિકાસ માટે વધારાના ₹10,000 કરોડની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી છે, જે 2014ની તુલનામાં 15 ગણી વધુ રકમ છે. આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવી રીતે બનેલા દેશનોક રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે ₹1100 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. આ ઉપરાંત, તેમણે દેશનોક સ્ટેશન પરથી બિકાનેરથી મુંબઈ જનારી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.
રોજગારી અને પ્રવાસનને મળશે વેગ
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ 'અમૃત સ્ટેશનો'ના નિર્માણથી રોજગારી અને પ્રવાસનમાં પણ વધારો થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા વિકાસકાર્યોથી જરૂરિયાતમંદોને સીધો ફાયદો થશે, ખેડૂતોના પાક સરળતાથી બજારો સુધી પહોંચશે અને નાના-મોટા ઉદ્યોગોને પણ લાભ મળશે. આ યોજના માત્ર રેલવે યાત્રાને આધુનિક અને સુવિધાજનક બનાવશે નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
