<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

આંદામાન સમુદ્ર ઉપરના હવાઈ ક્ષેત્રને બંધ કરવા નિર્ણય : અમુક વિસ્તારો માટે NOTAM જારી

આ NOTAM આજે (શુક્રવાર)23 મે થી 24 મે સુધી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી અમલમાં રહેશે

નવી દિલ્હી :ભારતે આંદામાન સમુદ્ર ઉપરના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરતી એક નોટમ જારી કરી છે. આ નોટમ ફક્ત અમુક ચોક્કસ વિસ્તારો માટે જ બહાર પાડવામાં આવી છે. આ NOTAM આજે (શુક્રવાર)23 મે થી 24 મે સુધી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ વિસ્તાર આશરે 500 કિલોમીટર લાંબો છે અને તમામ ઊંચાઈવાળા સ્તરે નાગરિક વિમાનો માટે પ્રતિબંધિત છે. અહીં મિસાઇલ અથવા શસ્ત્ર પ્રણાલીનું પરીક્ષણ થઈ શકે છે.

ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલી તાજેતરની નોટિસ ટુ એરમેન (NOTAM) અનુસાર, કોઈપણ નાગરિક વિમાનને કોઈપણ ઊંચાઈએ હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

NOTAM એટલે નોટિસ ટુ એરમેન. આ નોટિસ પાઇલટ્સને જારી કરવામાં આવે છે, જેમાં તેમને સંભવિત જોખમો વિશે માહિતી આપવામાં આવે છે જેથી તાલીમ દરમિયાન કોઈ નુકસાન ન થાય. NOTAMs ટેલિફોન દ્વારા ઉડ્ડયન અધિકારીઓ પાસે ફાઇલ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે NOTAM જારી કરવામાં આવ્યો હોય, આ પહેલા પણ ઘણી વખત NOTAM જારી કરવામાં આવ્યો છે.

લશ્કરી કવાયતો અને શસ્ત્રોના પરીક્ષણ માટે જારી કરાયેલા ભૂતકાળના NOTAM ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ઘણી નોટિસો અસ્પષ્ટ હતી. પરંતુ આ NOTAM નું સ્થાન અને કેટલીક વિગતો મિસાઇલ અથ્વા શસ્ત્ર પ્રણાલી પરીક્ષણના સંકેત તરીકે અર્થઘટન કરી શકાય છે.

ગયા વર્ષે એપ્રિલમાં, ભારતે આંદામાનમાં હવાથી પ્રહાર કરી શકાય તેવી બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું અને માર્ચ 2022માં, વિસ્તૃત રેન્જવાળી બ્રહ્મોસ મિસાઇલનું લોન્ચ પેડ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતીય એરપોર્ટ ઓથોરિટી, સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન ( ISRO ) ને મોકલવામાં આવેલા ઇમેઇલનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

(12:38 PM IST)